![]()
વડોદરા,શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી ૧૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતા આરોપીઓની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, હાલમાં તાંદલજા વુડાના મકાનમાં રહેતો રાજેશ નિનામા તથા તેના મિત્રો વિશાલ ડામોર, જ્યંતિ ડામોર, નગરસિંગ ડામોર, સંજય મછાર તથા સાજન પલાસ ( તમામ રહે. લીમખેડા, દાહોદ) એક મહિના પહેલા તાંદલજા વિસ્તારમાં ચોરી કરી હતી. આ ગેંગના માણસો પૈકી રાજેશ રમેશભાઇ નિનામા,જ્યંતિ રમેશભાઇ મંડોર તથા વિશાલ માધુભાઇ ડામોર રિક્ષા તથા બાઇક લઇને ગોત્રી હરિનગર બ્રિજ નીચે ઊભા છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ત્રણેય મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન એક વર્ષમાં તેઓએ છ સ્થળે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેઓની પાસેથી સોનાના દાગીના, રિક્ષા, બાઇક તથા ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧૬.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.










