શહેરના જેતલપુર રોડ પરની અંબિકા મીલ ચાલીમાં પીવાના પાણીને લઇ સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવી સમસ્યાનો ઉકેલ વહેલીતકે ન આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
સ્માર્ટ સીટી વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકો વિરોધ પ્રદર્શન યોજવા સાથે કોર્પોરેશનની કચેરીઓએ મોરચા લઇ પહોંચી રહ્યા છે. તેવામાં વધુ એક વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળ્યો છે. જેતલપુર રોડ પર આવેલી અંબિકા મીલ ચાલીના રહેવાસીઓ પાછલા એક સપ્તાહથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. અને પાણી આવે છે તો પીળાશ પડતું દુર્ગંધ મારતું પાણી મળતું હોવાના આક્ષેપ છે. અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રહીશોનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.જેના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મહિલાઓ અને વૃદ્ધોને દૂરથી પાણી ભરી લાવવાની ફરજ પડે છે, પાણીની અછતના કારણે સ્થાનિક લોકોના રોજિંદા કામકાજ પર પણ અસર પડી રહી છે. વધુમાં કહેવું છે કે, મનફાવે ત્યારે આવતા પાણીના ટેન્કર પહોંચી વળતા નથી અને મોંઘવારીમાં પાણી ખરીદવાનો વખત આવ્યો છે.