Heatwave Alert In Gujarat : ગુજરાતમાં એપ્રિલના મહિનાની શરૂઆતથી ગરમીએ પોતાનું ઝોર પકડ્યું છે, ત્યારે થોડા દિવસ તાપમાન સામાન્ય રહ્યા બાદ હવે ફરી ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આવતીકાલ મંગળવારથી 17 એપ્રિલ, 2025 સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી છે.
ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહી
ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો હાઈ રહે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલ મંગળવારથી 17 એપ્રિલ સુધી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે.
જ્યારે અમદાવાદમાં આવતીકાલે મંગળવારે 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે. આ સાથે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં બફારાનો અહેસાસ થશે.
આ પણ વાંચો: શેઠની શીખામણ ઝાંપા સુધી… સચિવાલયમાં જ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન, ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કરાવાય છે કામ
રાજ્યના વિવિધ સ્થળોએ આજે સોમવારે સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં 43.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભુજમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, અમદાવાદામાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.