મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આકરી ટેરિફ નીતિના નિર્ણયોને પરિણામે ઘરઆંગણે જ કોર્પોરેટ અમેરિકા અને લોકોના આકરાં વિરોધનો સામનો કરવાનો વખત આવતાં હવે રોલબેક કરવાની પડી રહેલી ફરજના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં આજે સાર્વત્રિક સુધારો જોવાયો હતો. ભારતીય શેર બજારો આજે-સોમવારે ડો.બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિતે બંધ રહ્યા હતા.
ગત સપ્તાહમાં પ્રથમ ચાઈના સિવાયના દેશો પરની રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે બ્રેક લગાવ્યા બાદ અમેરિકામાં આયાત થતાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ચાઈના સહિતના દેશોમાંથી થતી આયાતને પણ રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આવતાં અને યુરોપીય દેશોએ પણ હાલ તુરત ટેરિફનો અમલ અટકાવ્યાના સંકેતે કોર્પોરેટ વિશ્વમાં હાશકારો થવા સાથે ફંડો ફરી તેજીમાં આવ્યા હતા. પરંતુ ફરી હવે સેમીકન્ડકટર્સ સહિતની આયાત પર ટેરિફ નાખવાના વિવાદાસ્પદ નિવેદને અનિશ્ચિતતા સજીૅ હતી.
ટ્રમ્પને ટેરિફ રોલબેક કરવાની પડી રહેલી ફરજના પગલે ચાઈનાના રાષ્ટ્રપતિ જિનપિંગે માત્ર રેસિપ્રોકલ ટેરિફ નહીં, તમામ નવા ટેરિફને પાછા ખેંચવા ટ્રમ્પને સંદેશ મોકલતાં આજકાલમાં વિશ્વ પરના મોટાભાગના ટેરિફને ટ્રમ્પ પાછા ખેંચે એવી શકયતાની ચર્ચાએ પણ વૈશ્વિક બજારોમાં તેજીનો સંચાર થયો હતો.
બીજી તરફ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી મજબૂત બનતાં જઈ આજે સાંજે બ્રેન્ટ ક્રુડ ૮૧ સેન્ટ વધીને ૬૫.૫૭ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૮૦ સેન્ટ વધીને ૬૨.૩૦ ડોલર નજીક રહ્યા હતા.
યુરોપના દેશોના બજારોમાં સાજે ચાલુ બજારે લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૫૦ પોઈન્ટનો ઉછાળો, જર્મનીનો ડેક્ષ ૫૫૦ પોઈન્ટનો ઉછાળો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૭૨ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.
મોડી સાંજે અમેરિકી શેર બજારોમાં ખુલતાંમાં મજબૂતી જોવાઈ હતી. ડાઉ જોન્સ મજબૂત ખુલ્યા બાદ ૩૨૦ પોઈન્ટના ઉછાળે ૪૦૫૩૫ની સપાટીએ અને નાસ્દાક કોમ્પોઝિટ ઈન્ડેક્સ ૧૯૭ પોઈન્ટના ઉછાળે ૧૬૯૨૧ના લેવલે બતાવાતો હતો.