Waqf Act: ભારતે મંગળવારે (15 એપ્રિલ, 2025) વક્ફ સંશોધન કાયદો, 2025 પર પાકિસ્તાનની ટિપ્પણીની ટીકા કરી અને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે અલ્પસંખ્યકોની સુરક્ષાની વાત આવવા પર પાડોશી દેશને પોતાના ખુદના ખરાબ રેકોર્ડને જોવા કહ્યું.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, અમે ભારતની સંસદથી પસાર થયેલા વક્ફ સંશોધન અધિનિયમ પર પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને નિરાધાર ટિપ્પણીઓનો દૃઢતાથી અસ્વીકાર કરીએ છીએ. ભારતના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષાના મામલામાં પાકિસ્તાનને બીજાને ઉપદેશ આપવાના બદલે પોતાના ખુદના ખરાબ રેકોર્ડ પર ધ્યાન આપવું જોઈએ.
ગત અઠવાડિયે વક્ફ સંશોધન અધિનિયમ પર ટિપ્પણી કરતા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને ભારત તરફથી વક્ફ કાયદામાં કરાયેલા ફેરફારની નિંદા કરી હતી અને તેને ભારતીય મુસ્લિમોના ધાર્મિક અને આર્થિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યા હતા.
શફકત અલી ખાને પોતાની વીકલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘આ ભેદભાવપૂર્ણ કાયદો પસાર થવો ભારતમાં વધતા બહુસંખ્યકવાદને પણ દર્શાવે છે. આ વાતની ગંભીર શક્યતા છે કે આ ભારતીય મુસ્લિમો વધુ હાંસિયામાં ધકેલવામાં યોગદાન આપશે.’