– ઉમરેઠના સંદલપુરા લાલપુરા સીમમાં
ઉમરેઠ : ઉમરેઠના સંદલપુરા લાલપુરા સીમમાં ભેખડ ધસવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો વીમો પકવવા વાલી વારસા દ્વારા ખોટો ક્લેમ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નોંધાવાયેલી ફરિયાદમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ, પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ મામલે રાજીવકુમાર શ્રી રામ ઈકબાલ મિશ્રા (ઉં.વ.૪૧), (એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ આઈ.સી.આઈ.સી.આઈ. લોમ્બાર્ડ જન. ઈન્સ. કું.લી.) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, ગત તા. ૫ એપ્રિલના રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. જે ગુના મામલે મૃત્યુ પામનારના વાલી વારસા દ્વારા આણંદ જિલ્લા કોર્ટમાં એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ સમક્ષ એમ.એ.સી.ટીનો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં વિગતો દર્શાવવામાં આવી હતી કે, મૃતક જગદીશભાઈ ૪ એપ્રિલના રોજ મજૂરી કામ અર્થે ગયા હતા તે દરમિયાન ટ્રેક્ટરના ચાલકે બેદરકારીથી ટ્રેક્ટર ચલાવતા અકસ્માત સર્જેયો હતો જેમાં જગદીશભાઈ વિક્રમભાઈ ઝાલાને ઈજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ૫ એપ્રિલના રોજ સારવારમાં મોત થયું હતું.
ત્યારે વિક્રમભાઈ ઝાલાએ પોલીસ જવાબમાં જણાવ્યું હતું કે, ગત તા. ૪ એપ્રિલના રોજ તેમનો પુત્ર જગદીશભાઈ સહિત ત્રણ વ્યક્તિ ટ્રેક્ટર ટ્રોલીમાં માટી ભરવાનું કામ કરતા હતા. તે દરમિયાન ૧૦૦ ફૂટ ઉપથી માટીની ભેખડ ધસી આવતા બે માણસો બાજુમાં ખસી ગયા હતા, પરંતુ જગદીશભાઈ માટીમાં દબાઈ જતા આ બનાવ બન્યો હતો. જે બાદ તેમના સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું.
આ મામલે વીમાં કંપનીએ અધિકૃત અધિકારીએ નિમેલ ઈન્વેસ્ટીગેશન ઓફિસર દ્વારા મળેલા બનાવના પોલીસ પેપર્સ, માલિક-ચાલકના નિવેદના સહિતના પુરાવાઓ કોર્ટમાં રજૂ કરાયા હતા તેનો અભ્યાસ કરતા આ બનાવમાં વીમાં ધારક ટ્રેક્ટરની કોઈ સંડોવણી નથી કે આ કોઈ વાહન અકસ્માત નથી તેવું જણાયું હતું, તેવો ફરિયામાં ઉલ્લેેખ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વિક્રમભાઈ પ્રતાપભાઈ ઝાલા, સુધાબેન વિક્રમભાઈ ઝાલા, અર્જુનસિંહ ભલાભાઈ ઝાલા અને ભલાભઆઈ ભીમાભાઈ ઝાલા (તમામ રહે. સુંદલપુરા, તા. ઉમરેઠ) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.