![]()
Rajkot News: રાજકોટના પ્રસિદ્ધ હેમુ ગઢવી હોલ ખાતે આજે 7 ફેબ્રુઆરી રાત્રે આયોજિત ‘હું નથુરામ ગોડસે’ નાટક શરૂ થાય તે પહેલા જ ભારે ઉહાપોહ મચ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ નાટકનો ઉગ્ર વિરોધ કરી સ્ટેજ પર પહોંચી સેટમાં તોડફોડ કરી હતી. મામલો વધુ ઉગ્ર થતાં પોલીસ વચ્ચે પડી હતી. જે કારણે થોડા સમય માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના યુવા કાર્યકરોને સમજાવ્યા હતા બાદમાં તેમની અટકાયત કરી હતી.
ગાંધીજીના અપમાનનો આક્ષેપ
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે પૂજ્ય બાપુ આપણા રાષ્ટ્રપિતા છે. નાટકના માધ્યમથી તેમના હત્યારા ગોડસેનું ગુણગાન કરી તેને હીરો તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ‘ગાંધીના ગુજરાત’ માં ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં.
પોલીસે કોંગી કાર્યકરોની કરી અટકાયત
હોલ પર હંગામો અને તોડફોડ કરી રહેલા 40 કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજે રાજકોટમાં વિરોધ બાદ હવે આવતીકાલે 8 ફેબ્રુઆરીએ જામનગરમાં પણ આ નાટકનો શો યોજાવાનો છે, જેને લઈને પણ વિરોધની સંભાવનાઓ છે.
કોંગ્રેસ-આયોજનકર્તા સામ સામે
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ‘ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ અમે સફળ થવા દઈશું નહીં. જ્યાં પણ આ નાટક યોજાશે ત્યાં કોંગ્રેસ વિરોધ નોંધાવશે.’ બીજી તરફ, નાટકના નિર્માતાએ અચાનક થયેલા વિરોધ સામે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ‘જે લોકો પોતાને ગાંધીવાદી ગણાવે છે, તેઓ હિંસાનો માર્ગ કેમ અપનાવી રહ્યા છે? નાટક જોયા વગર જ ખોટી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નાટકનો હેતુ કોઈને નીચા બતાવવાનો કે વિવાદ ઉભો કરવાનો નથી.
આ પણ વાંચો: ‘માતાજીની સાક્ષીએ કહું છું, હું ખોટું નથી બોલતો…’, રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત
રાજ્યમાં ક્યાંય પણ આ શો થવા દેશે નહીં: કોંગ્રેસ
રાજકોટમાં સર્જાયેલા આ તણાવ બાદ હવે જામનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં આ નાટકનું મંચન થશે કે કેમ તે તેઓ સમયે ખબર પડશે પણ કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી છે કે, ‘આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી નથુરામ ગોડસે જેને મહાત્મા ગાંધીની હત્યા કરી હતી તેને હીરો કેવી રીતે બનાવી શકાય, તે રાજ્યમાં ક્યાંય પણ આ શો થવા દેશે નહીં.’










