Vadodara Corporation Swimming Pool : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સ્વિમિંગ પૂલમાં આવતા તરવૈયાઓ માટે દર વર્ષે મેમ્બરશીપ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, અત્યાર સુધી લાઈફ ટાઈમ મેમ્બરશીપ અને દસ વર્ષની મેમ્બરશીપ રાખવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા અગાઉ એક ઠરાવ કરતા તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે તરવૈયાઓ હોય છે તેમાં 60 અને 70 પ્લસ ઉંમરવાળા પણ હોય છે. જેઓની ઉમરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
દર વર્ષે તરવૈયાઓને સ્વિમર ટેસ્ટ એટલે કે મેડિકલ ફિટનેસ ટેસ્ટનું સર્ટિફિકેટ રજુ કરવાનું હોય છે. જેમાં કોઈને શારીરિક તકલીફ હોય તો મેમ્બરશીપ આપવામાં આવતી નથી. કોર્પોરેશનના વર્તુળોના જણાવ્યા મુજબ મોટી ઉંમરે બીપી અને હાર્ટના પ્રોબ્લેમ વધતા સ્વિમિંગ દરમિયાન તકલીફ ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને આ અગાઉ નિર્ણય લેવાયો હતો. જો કે લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે તરવૈયાઓએ ફરી પાછી દસ વર્ષની અને લાઈફ ટાઈમ મેમ્બરશીપ માટેની માગણી કરી છે, પરંતુ તેઓને સમજ આપવામાં આવી રહી છે. લાલબાગ સ્વિમિંગ પૂલ 1974માં બનેલો છે. જેના હોજની ક્ષમતા 37,000 લિટરની છે, અને સૌથી ઊંડો 25 ફૂટ છે. હાલ ઉનાળામાં પાણીની ડિમાન્ડ વધતા તેને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે જેથી લાલબાગ સ્વિમિંગ પૂલને પાણી ઓછું મળે છે, પરંતુ તરવૈયાઓ પાણી ઓછું હોવાની બૂમ પાડે છે. વર્તુળોના કહેવા મુજબ લાલબાગ સ્વિમિંગ પૂલમાં અઠવાડિયામાં બે વખત સકસન અને ટ્રોલિંગ કરવું પડે છે, જો તે ન કરે તો પાણી મેલુ દેખાય છે અને તેના કારણે પણ ઉહાપોહ થઈ શકે છે. લાલબાગના આશરે 7000 સભ્ય નોંધાયેલા છે, પરંતુ તાજેતરમાં કેવાયસી કરતા 340 ની નોંધણી થઈ હતી.