![]()
વડોદરા, તા.17 વડોદરા શહેર અને જિલ્લામાં એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીના અંતિમ તબક્કા બાદ આજે ફાઇનલ મતદારયાદી જાહેર કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકો પર એસઆઇઆર પહેલા નોંધાયેલા કુલ મતદારોમાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા છે. જો કે ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થઇ તેના કરતા૩૪૮૯૦ મતદારોનો વધારો થયો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી પંચની સુચનાથી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે એસઆઇઆરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ કુલ ૫૦૪૬૧૮ મતદારોના નામો ડિલીટ થઇ જશે તેમ પ્રાથમિક બહાર આવ્યું હતું. જિલ્લામાં મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશ અંતર્ગત શહેરની પાંચ અને જિલ્લાની પાંચ મળી કુલ ૧૦ વિધાનસભા બેઠકો પર નોંધાયેલા કુલ ૨૬૮૯૧૧૭ મતદારોનું વેરિફિકેશન બીએલઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૫૦૪૬૧૮ મતદારોના નામો કમી થાય તેમ હતું અને કુલ મતદારો તે સમયે ૨૧૮૫૨૦૫ નોધાયા હતાં.
જ્યારે બીજા તબક્કામાં મતદારયાદીમાં નામ ઉમેરવા, સુધારવા તેમજ મતક્ષેત્ર બદલવા અંગેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેમાં એસઆઇઆર બાદ નોંધાયેલા મતદારો કરતા વધુ ૩૪૮૯૦ મતદારોનો ઉમેરો થયો હતો. આજે ચૂંટણી પંચ દ્વારા ફાઇનલ મતદારયાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં વડોદરાની ૧૦ બેઠકો પર ૨૨૨૦૦૯૫ મતદારોના નામો નોંધાયા છે. આ યાદીમાં મતદારોના નામો અંદર છે કે નહી તે ચૂંટણીપંચની વેબસાઇટ અથવા પોર્ટલ પરથી જાણી શકાશે.










