નવી દિલ્હી : કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક ગ્રાહક અને રીટેલ બજારોમાં ડીલ પ્રવૃત્તિ વધીને ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી, કારણ કે રોકાણકારોએ નવીનતા સાથે પરંપરાને મર્જ કરતી બ્રાન્ડ્સને સમર્થન આપ્યું હતું, ગ્રાન્ટ થોર્ન્ટન ભારતની નવીનતમ ત્રિમાસિક ડીલ ટ્રેકર રિપોર્ટ દર્શાવે છે. આ સોદામાં મર્જર અને એક્વિઝિશન (એમએન્ડએ) અને પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.
માર્ચ ક્વાર્ટરમાં ટોચના સ્થાને બે અબજ ડોલરના સોદા હતા: પીઈ પ્લેયર ટેમાસેકનું ૧૦ ટકા હિસ્સા માટે હલ્દીરામ સ્નેક ફૂડ્સમાં ૧-બિલિયન ડોલરનું રોકાણ અને વિલ્મર ઈન્ટરનેશનલનું શેરહોલ્ડિંગ વધારવા માટે ૧.૪-બિલિયન ડોલરનું રોકાણ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણકારોના વિશ્વાસમાં વૃદ્ધિનો સંકેત આપે છે.
ફૂડ એન્ડ બેવરેજીસ, પર્સનલ કેર અને ઈ-કોમર્સ જેવા ઉચ્ચ-સંભવિત સેગમેન્ટ્સમાં મર્જર અને એક્વિઝિશન અને ખાનગી ઈક્વિટી રોકાણો સાથે ભારતનું ગ્રાહક અને રીટેલ ક્ષેત્ર વૃદ્ધિના ગતિશીલ તબક્કામાં પ્રવેશી રહ્યું છે. ખાસ કરીને, ફૂડ એન્ડ બેવરેજીસ સ્પેસ મજબૂત વેગ જોઈ રહી છે, કારણ કે ગ્રાહકો બહેતર ઉત્પાદનો શોધે છે અને બ્રાન્ડ્સ તેમના સુધી પહોંચવા માટે ડિજિટલ વિતરણને અપનાવે છે.
ડીલ વેલ્યુ અને વોલ્યુમની દ્રષ્ટિએ, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ૨૦૨૩ અને ૨૦૨૪ના સમાન સમયગાળાની સરખામણીમાં ભારે વધારો જોવા મળ્યો હતો, જે મૂલ્યમાં લગભગ ૪ બિલિયન ડોલર અને સંખ્યાની દ્રષ્ટિએ ૧૩૯ સોદાને સ્પર્શે છે. આ ૨૦૨૩ના પ્રથમ ક્વાર્ટર (૧.૨૮ બિલિયન ડોલર)માં થયેલા સોદાના મૂલ્ય કરતાં ત્રણ ગણું અને ૨૦૨૪ (૧.૭૪ બિલિયન ડોલર)ના પ્રથમ ક્વાર્ટરમાં થયેલા સોદાના મૂલ્ય કરતાં બમણું છે.