Best Way to Eat Dry Fruits: તંદુરસ્ત જીવનશૈલી માટે માત્ર લીલા શાકભાજી કે અનાજ જ પૂરતા નથી, પરંતુ આહારમાં ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સનો સમાવેશ કરવો પણ એટલો જ અનિવાર્ય છે. ડ્રાય ફ્રૂટ્સ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવાની સાથે ત્વચા અને વાળને પણ પોષણ આપે છે. જોકે, પોષક તત્વોનો પૂરો લાભ મેળવવા માટે તેને ખાવાની સાચી રીત અને સમય જાણવો ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકો તમામ ડ્રાય ફ્રૂટ્સને રાતભર પલાળી રાખવાની ભૂલ કરે છે, પરંતુ દરેક નટ્સ માટે પલાળવાનો સમય અલગ-અલગ હોય છે.
જાણો કયા ડ્રાય ફ્રૂટ્સ કેવી રીતે ખાવા?
ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, મોટાભાગના નટ્સને પલાળીને ખાવાથી તેમાંથી ટોક્સિન્સ દૂર થાય છે અને શરીર પોષક તત્વોને સરળતાથી પચાવી શકે છે. અહીં જાણો કયા ડ્રાય ફ્રૂટ્સ માટે શું છે શ્રેષ્ઠ રીત…
બદામ અને અખરોટ: મગજ અને હૃદય માટે વરદાન
બદામને હંમેશા 8થી 12 કલાક પલાળી રાખવી જોઈએ અને સવારે તેની છાલ ઉતારીને ખાલી પેટે ખાવી જોઈએ. એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 5થી 7 બદામ લઈ શકે છે. બીજી તરફ, ઓમેગા-3થી ભરપૂર અખરોટને માત્ર 4થી 6 કલાક પલાળવા જોઈએ. દિવસમાં 1થી 2 અખરોટ ખાવાથી ઊંઘમાં સુધારો થાય છે અને સોજા(inflammation) ઘટે છે.
કાજુ, પિસ્તા અને ખજૂર: પલાળવાની જરૂર નથી
કાજુમાં હેલ્ધી ફેટ્સ હોય છે, તેને પલાળવાની જરૂર નથી, જો પલાળવા હોય તો પણ 1થી 2 કલાક પૂરતા છે. પિસ્તા પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને સીધા જ ખાઈ શકાય છે. તેવી જ રીતે, ખજૂર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, જેને પલાળ્યા વગર પ્રી-વર્કઆઉટ સ્નેક્સ તરીકે 1થી 2 નંગ લઈ શકાય છે.
આ પણ વાંચો: Explainer: ફ્રેન્ડશિપને પણ મોંઘવારીનું ગ્રહણ, જાણો કેવી રીતે ‘ફ્રેન્ડફ્લેશન’ શહેરી યુવાનોને એકલા પાડી રહ્યું છે
કિસમિસ અને અંજીર: પાચન અને હિમોગ્લોબિન માટે બેસ્ટ
કિસમિસ લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે, તેને 3થી 4 કલાક પલાળીને સવારે ખાવી હિતાવહ છે. અંજીરની વાત કરીએ તો, તેને રાતભર પલાળવાને બદલે માત્ર 3થી 4 કલાક પલાળીને સવારે લેવાથી હોર્મોન્સ સંતુલિત રહે છે અને કબજિયાતમાં રાહત મળે છે.
બ્રાઝિલ નટ્સ: થાઈરોઈડ માટે ઉપયોગી
હાલમાં ટ્રેન્ડમાં રહેલા બ્રાઝિલ નટ્સ સેલેનિયમથી ભરપૂર હોય છે, જે થાઈરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેને પલાળવાની જરૂર નથી અને સવારે માત્ર 1 નંગ ખાવું પૂરતું છે.
નોંધ: આ માહિતી સામાન્ય જીવનશૈલી માટે છે. જો તમને કોઈ ગંભીર બીમારી કે એલર્જી હોય, તો આહારમાં ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.






