![]()
– નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
– ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ રૂ. એક લાખ વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ
નડિયાદ : નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર વયની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં વસો તાલુકાના રામોલ વિસ્તારમાં રહેતા આરોપી દશરથ ભીખાભાઈ સોલંકીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ ૩૫,૦૦૦નો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, વસો તાલુકાના રામોલ વિસ્તારમાં રહેતા આરોપી દશરથ સોલંકીએ ગત તારીખ ૧૯-૦૪-૨૦૨૪ના રોજ નડિયાદ તાલુકાના ગંગાપુર ગામની ૧૪ વર્ષ અને ૪ માસની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી આ સગીરાને નડિયાદ બારકોશિયા રોડ પર આવેલા ઉસ્માનભાઈ અહેમદભાઈ સિનોરવાલાના લીમડાવાળા ખેતરમાં આવેલા છાપરામાં લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ સંદર્ભે વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ નડિયાદના સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જેમાં સરકારી વકીલે રજૂઆતો કરતા જણાવ્યું હતું કે, દેશમાં સગીર બાળકીઓ સાથેની આવી ઘટનાઓ વધી રહી છે અને સુપ્રીમ કોર્ટે પણ આવી ઘટનાઓ સામે લાલ આંખ કરી છે. સમાજમાં મજબૂત સંદેશો જાય તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી અનિવાર્ય છે. કોર્ટે ૧૨ સાક્ષીઓ અને ૧૭ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ આરોપી દશરથ સોલંકીને કસૂરવાર ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને ઇ.પી.કો. કલમ ૩૬૩ મુજબના ગુનામાં ૫ વર્ષની સખત કેદ અને ૫,૦૦૦ દંડ, ઇ.પી.કો. કલમ ૩૬૬ મુજબના ગુનામાં ૫ વર્ષની સખત કેદ અને ૫,૦૦૦ દંડ તેમજ પોક્સો એક્ટની કલમ ૬ મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદ અને ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ કેદની સજાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ ૧,૦૦,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યોે છે.










