વડોદરાઃ શહેરમાં રાતે લોકોના મોબાઇલ લૂંટતી ગેંગના બે સાગરીતોને પોલીસે ઝડપી પાડતાં એક મહિનામાં આઠ મોબાઇલની લૂંટ કર્યાની વિગતો ખૂલી છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના હાથમાંથી મોબાઇલની લૂંટના બનાવ બનતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સ મારફતે તપાસ કરી હતી.આ બનાવોમાં તરસાલીનો જયંત ઉર્ફે મોનુ સંડોવાયેલો હોવાનું ખૂલતાં પોલીસે તેના પર વોચ રાખી હતી.
જે દરમિયાન જયંત અને તેનો સાગરીત માંજલપુરના પંચશીલ ગ્રાઉન્ડમાં હોવાની માહિતી મળતાં પોલીસે જયંત રમેશભાઇ વાકોડે(રામનગર,તરસાલી) અને મિતેષ કનુભાઇ પાટણવાડિયા(મનહર નગર-૧, અલવા નાકા,માંજલપુર)ને ઝડપી પાડયા હતા.
તેમની પાસેથી સ્કૂટર અને પાંચ મોબાઇલ કબજે કરી પૂછપરછ કરતાં આ મોબાઇલ છેલ્લા એક મહિનાના ગાળામાં નિઝામપુરા, વાસણા,અટલાદરા જેવા વિસ્તારોમાં વોક માટે નીકળતા લોકોના હાથમાંથી લૂંટયા હોવાની વિગતો ખૂલી હતી.સૂત્રધાર જયંત તેના સાગરીતો બદલતો હતો અને ઓળખ છુપાવવા રાતે જ ફોન લૂંટી સસ્તામાં વેચી દેતો હતો.