વિદ્યા ડેરી રોડ પરથી શકમંદ હાલતમાં પકડાયો
રૂપિયા 75 હજારનો મુદ્દામાલ જપ્ત : મહેમદાવાદ અને આણંદના સાગરિતોના નામ ખૂલ્યા
આણંદ: આણંદ પાસેના જીટોડિયા અને આણંદ શહેરમાંથી ઘરફોડ ચોરીઓ કરનારા શખ્સને આણંદ એલસીબી પોલીસે આણંદના વિદ્યા ડેરી રોડ ઉપરથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના સહિત રૂા. ૭૫ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
આણંદ એલસીબી પોલીસની ટીમ ઘરફોડ ચોરીઓના ગુના ઉકેલવામાં લાગી હતી. દરમિયાન એક શખ્સ ચોરીના મુદ્દામાલ સાથે વિદ્યા ડેરી રોડ ઉપર આવેલ વેટરનરી કોલેજની ચોકડી નજીક ઉભો હતો. ત્યારે ટીમે શખ્સને શકમંદ હાલતમાં ઝડપી પાડયો હતો. પોલીસે તેની અંગ જડતી લેતા તેની પાસેથી સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં તે અવતારસિંગ રણજીતસિંહ સરદાર રહે. બોરસદ ચોકડી, એકતાનગર, આણંદવાળો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મળેલી વસ્તુ અંગે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે રૂપિયા ૭૫ હજારનો મુદ્દામાલ કબજે લઈ વધુ પૂછપરછ કરતા આણંદ શહેર તથા આણંદ પાસેના જીટોડીયા ગામેથી તેણે ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. ઘરફોડ ચોરીઓમાં તેની સાથે મહેમદાવાદનો ડોન સરદાર અને આણંદનો ગોપે ઉર્ફે ટકલો રામસિંહ સરદાર પણ સામેલ હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે આરોપીને આણંદ ગ્રામ્ય પોલીસના હવાલે કર્યો હતો.
– ત્રણ મહિના પૂર્વે ત્રણ સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો
ઝડપાયેલ અવતારસિંગ સરદાર અને તેના સાગરીતોએ ત્રણેક માસ પૂર્વે આણંદ પાસેના જીટોડીયા, આણંદ શહેરના ઇન્દિરા સ્ટેચ્યુ નજીકની સોસાયટી તથા અંબા માતાના મંદિર નજીકની સોસાયટીમાં આવેલા મકાનમાં ઘરફોડ ચોરીઓ કરી હોવાનું ખુલ્યું છે. જીટોડીયા ગામે ચબૂતરી પાસેના લીમડાવાળા ફળિયામાં મહેન્દ્રભાઈ ચાવડાના મકાનમાંથી રૂપિયા એક લાખ ઉપરાંતના સોના- ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.