– વેપારીને બાંધકામ તોડાવવાની ધમકી આપી રૂ.30 લાખની માંગણી : ઉધનામાં ટેક્ષટાઈલ વેપારીએ સવા વર્ષ અગાઉ બાંધકામ શરૂ કર્યું ત્યારે હિન્દી સાપ્તાહિક પવિત્ર દર્પણના તંત્રી પ્રકાશ રાઠોડે આવી ફોટા પાડયા હતા
– બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી ફરિયાદ નહીં કરવા રૂ.25,21,721 માં સમાધાન કર્યું હતું : બાકીના પૈસા નહીં આપતા મ્યુનિ. મારફતે ડીમોલીશન પણ કરાવ્યું હતું
સુરત, : સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં સવા વર્ષ અગાઉ બાંધકામ શરૂ કરનાર મોટા વરાછાના ટેક્ષટાઈલ ધંધાર્થીને બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી તેને તોડાવવાની ધમકી આપી રૂ.30 લાખની માંગણી કરી રૂ.22 લાખ લીધા બાદ બાકીના પૈસા માટે કાપીને દાટી દેવાની ધમકી આપનાર હિન્દી સાપ્તાહિકના તંત્રીની ઉધના પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર ગારીયાધર મોરબા ગામના વતની અને સુરતમાં ઉત્રાણ મોટા વરાછા સૌરાષ્ટ્ર પેલેસ સી-501 માં રહેતા 42 વર્ષીય અલ્પેશભાઇ દિનેશભાઇ ઘેલાણી છેલ્લા બે મહીનાથી ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.ઝેડ-210 થી 215 મા અવધ ફેબ્રીક્સ નામથી ટેક્ષટાઇલનો વેપાર કરે છે.જાન્યુઆરી 2024 માં તેમણે અહીં બાંધકામ શરૂ કર્યું હતું.ત્યાં બીજા માળનું બાંધકામ ચાલુ હતું ત્યારે પત્રકાર પ્રકાશ ત્યાંના ફોટા પાડી ગયો હતો અને અલ્પેશભાઈને કહ્યું હતું કે આ બાંધકામ ગેરકાયદેસર છે, હું મહાનગરપાલિકામાં ફરિયાદ કરીને તોડાવી નાંખીશ.જો તમારે આ બાંધકામ ચાલુ રાખવું હોય તો મને રૂ.30 લાખ આપવા પડશે અને જો પૈસા નહી આપો તો બાંધકામ અંગે મહાનગરપાલિકાના સાઉથ ઝોન, કલેકટર કચેરીના સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજીઓ કરી બાંધકામ તોડાવી નાંખીશ.અલ્પેશભાઈએ પૈસા ઓછા કરવા કહેતા તે રૂ.25,21,721 લેવા તૈયાર થયો હતો.
પ્રકાશે પૈસા ટૂકડે ટુકડે લેવાનું નક્કી કરી બાંધકામની એક ઇંટ પણ તુટે તેની સંપુર્ણ જવાબદારી મારી રહેશે તેમ જણાવતા અલ્પેશભાઈએ તેને 20 જૂનથી 5 ડિસેમ્બર 2024 દરમિયાન છ ટુકડામાં કુલ રૂ.22 લાખ આપ્યા હતા.ત્યાર બાદ પ્રકાશ બાકીના રૂ.3,21,721 ની માંગણી કરતો હતો.અલ્પેશભાઈએ બાકીના પૈસા આપવા ના પાડતા પ્રકાશે રૂપિયા નહી આપે તો તારા ખાતા પર આવીને તને કાપીને દાટી દઇશ અને કોઇને પણ ખબર નહી પડે અને તારા ખાતાનુ બાંધકામ પણ તોડાવી નાખીશ તેવી ધમકી આપી હતી.ત્યાર બાદ 20 ડિસેમ્બરે મહાનગરપાલિકાની ટીમ ત્યાં ડીમોલેશન કરવા આવી હતી અને નોટીસ આપી ચોથા માળનું ડીમોલેશન પણ કર્યું હતું.આથી અલ્પેશભાઈએ પ્રકાશને વાત કરી પૈસા પરત માંગ્યા હતા.ત્યારે પ્રકાશે ધમકી આપી હતી કે જો મારી પાસે રૂપિયાની માંગણી કરશે તો જાનથી મારી નાંખીશ.
છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસે શરૂ કરેલી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તોડબાજ પત્રકારો વિરુદ્ધની કાર્યવાહીને પગલે ગતરોજ અલ્પેશભાઈએ પત્રકાર પ્રકાશ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે પવિત્ર દર્પણ નામે હિન્દી સાપ્તાહિક ચલાવતા 38 વર્ષીય પ્રકાશ દેવાજી રાઠોડ ( રહે.4, જય બહુચર એપાર્ટમેન્ટ વિભાગ 2, ત્રિકમનગરની સામે, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત ) ની ધરપકડ કરી હતી.પ્રકાશ રાઠોડ પવિત્ર દર્પણ હિન્દી સાપ્તાહિકનો તંત્રી છે.વધુ તપાસ પીએસઆઈ એમ.કે.ઇશરાણી કરી રહ્યા છે.
પ્રકાશે 40 બાંધકામ કરનારા પાસે લાખો રૂપિયા પડાવ્યા : 25 થી વધુ કહેવાતા પત્રકારો વતી ઉઘરાણી કરતો હતો
સુરત, : ઉધના પોલીસે રૂ.22 લાખ પડાવનાર પવિત્ર દર્પણ હિન્દી સાપ્તાહિકના તંત્રીની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રકાશ રાઠોડે આ રીતે 40 જેટલા બાંધકામ કરનારાઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે અને તે ઉધના વિસ્તારમાં સાપ્તાહિક કે પખવાડિક ચલાવતા 25 થી 30 કહેવાતા પત્રકારો વતી ઉઘરાણા કરતો હતો.
પૈસાની નોંધ અંગેની બે ડાયરી બનાવી હતી અને પૈસા લઈને સહી કરતો હતો
સુરત, : અલ્પેશભાઈએ પત્રકાર પ્રકાશને જે રૂ.22 લાખ આપ્યા હતા તેની નોંધ અંગે બે ડાયરી બનાવી હતી.જે રીતે બિલ્ડર મકાન કે ફ્લેટ બુકીંગ વખતે ડાયરી બનાવે છે તેવી ડાયરી પૈકી એક પ્રકાશ પોતાની પાસે રાખતો હતો.અલ્પેશભાઈ પૈસા આપે ત્યારે તેમાં તે સહી કરતો અને અલ્પેશભાઈને પણ આપેલી બીજી ડાયરીમાં પણ સહી કરતો હતો.અલ્પેશભાઈએ પુરાવા રૂપે પોતાની પાસેની ડાયરી પોલીસને સોંપી હતી.