![]()
Iran to Ensure Safe Passage for Indian Ships in Hormuz : પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. આ પહેલા ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.
હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે
રૉયટર્સના રિપોર્ટ મુજબ, ઈરાને મંજૂરી આપ્યા બાદ હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવી રહ્યા છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધ બાદ ભારતમાં એલપીજીની અછત જોવા મળી હતી. જોકે કેન્દ્ર સરકારે ગ્રાહકોની જરૂરીયાતોની પુરી કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
ભારત-ઈરાન મૈત્રીપૂર્ણ સંબંધો
આ પહેલા મોહમ્મદ ફતહાલીએ જણાવ્યું હતું કે, ‘ભારત અને ઈરાન વચ્ચે ગાઢ મિત્રતા છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતને હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રસ્તો મળશે, ત્યારે તેમણે સકારાત્મક સંકેત આપતા કહ્યું હતું કે, ‘આ દિશામાં ટૂંક સમયમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. ભારત ઈરાનનો મિત્ર છે અને આવનારા કેટલાક કલાકોમાં આ અંગે સ્પષ્ટ સ્થિતિ સામે આવી શકે છે.’
યુદ્ધ વચ્ચે પણ ભારત-ઈરાનના ગાઢ સંબંધો યથાવત્ : રાજદૂત
બંને દેશોના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ‘ભારત અને ઈરાન વચ્ચે ઘણા પ્રાદેશિક હિતો સમાન છે. બંને દેશો વચ્ચે સહયોગ અને ભરોસાનો સંબંધ છે, જે વર્તમાન પરિસ્થિતિમાં પણ જળવાઈ રહ્યો છે. ભારત અને ઈરાનના સંબંધો મિત્રતા અને સહયોગ પર આધારિત છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી સારા સંબંધો રહ્યા છે અને ઘણા ક્ષેત્રોમાં ભાગીદારી પણ રહી છે.’
આ પણ વાંચો : ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઇકનો બદલો લીધો
‘ભારતે ઈરાનની મદદ કરી’
મુશ્કેલ સમયમાં ભારતે આપેલા સાથનો ઉલ્લેખ કરતા રાજદૂતે જણાવ્યું હતું કે, ‘ભારતે મુશ્કેલ સમયમાં ઈરાનનો સાથ આપ્યો છે. ભારત સરકારે ઘણા ક્ષેત્રોમાં ઈરાનની મદદ કરી છે.’ યુદ્ધ પછીની પરિસ્થિતિઓમાં પણ ભારતે સહયોગ કર્યો, જે બંને દેશોના વિશ્વાસ અને સંબંધોને મજબૂત બનાવે છે.’
હોર્મુઝની ખાડી ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે, કારણ કે દેશના કાચા તેલનો મોટો હિસ્સો આ માર્ગેથી આયાત કરવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનનું આ વલણ ભારતીય ઉર્જા સુરક્ષા અને વેપાર માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : ઈરાનને રશિયા-ચીનનું ખુલ્લેઆમ સમર્થન! UN સુરક્ષા પરિષદમાં અમેરિકા સામે આક્રમક ચર્ચા










