![]()
– કેન્દ્રના દાવા છતાં દેશભરમાં એલપીજીની અછત : પંજાબમાં લાઈનમાં ઊભા રહેલા વૃદ્ધનું મોત
– સરકારને રોજનું રૂ. બે હજાર કરોડનું નુકસાન
– તમિલનાડુમાં 400 સહિત દેશભરમાં કાળાબજારિયા પાસેથી સંખ્યાબંધ એલપીજી સિલિન્ડર જપ્ત, પાંચની ધરપકડ
– એર ઈન્ડિયા પછી હવે ઈન્ડિગો પણ આજથી ડોમેસ્ટિક ફ્લાઈટમાં ફ્યુઅલ સરચાર્જ વસૂલશે
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતું યુદ્ધ હાલ અટકવાની કોઈ સંભાવના દેખાતી નથી ત્યારે ભારતમાં રાંધણ ગેસની ભારે અછત વર્તાઈ રહી છે. એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાના દાવા વચ્ચે લોકોએ ઘરેલુ રાંધણ ગેસ ખરીદવા માટે એજન્સીઓની બહાર લાઈનો લગાવી છે. આવા સમયે દેશમાં પંજાબના બરનાલા જિલ્લામાં એલપીજી સિલિન્ડરની લાઈનમાં ઊભા રહેલા એક વૃદ્ધનું મોત થતા ભારે હોબાળો મચી ગયો હતો. બીજીબાજુ ક્રૂડ ઓઈલના ભાવમાં જંગી ઊછાળાના કારણે દેશમાં ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. ૨,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાના અહેવાલ આવ્યા છે, જે એલપીજી પછી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના સંકેત આપે છે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર થઈ ગયા છે, જેના કારણે ભારતીય ઓઈલ કંપનીઓની ચિંતા વધી ગઈ છે. અમેરિકા અને ઈરાનના યુદ્ધના પગલે એલપીજીના ભાવમાં તુરતં વધારો કરી દેવાયો હતો, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો જ્યારે છેલ્લા ૧૫ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ૩૦ ટકાથી વધુનો ઊછાળો આવ્યો છે.
આવા સમયે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવની સરખામણીમાં ઓછી કિંમતે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરવાના કારણે દૈનિક રૂ. ૨,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ભારતમાં હાલ સરેરાશ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭થી રૂ. ૧૦૫.૪૧ વચ્ચે છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૮૭.૬૭થી રૂ. ૯૨.૦૨ વચ્ચે છે.
બ્રોકરેજ કંપની સિસ્ટેમેટિક્સના રિપોર્ટ મુજબ આ ભાવે પેટ્રોલ વેચતા કંપનીઓને અંદાજે પ્રતિ લીટર રૂ. ૨૦ અને ડીઝલ પર રૂ. ૪૫નું નુકસાન થઈ રહ્યું છે. કંપનીઓને દૈનિક કુલ રૂ. ૨,૦૦૦ કરોડના નુકસાનમાં લગભગ રૂ. ૧૬૫૦ કરોડ ડીઝલ અને રૂ. ૩૫૦ કરોડ પેટ્રોલ સાથે સંકળાયેલું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે.
દરમિયાન ભારતમાં એલપીજીનો પર્યાપ્ત જથ્થો છે અને લોકોએ ગભરાવાની જરા પણ જરૂર નથી તેવા કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે દેશભરમાં લોકોએ એલપીજી એજન્સીઓની બહાર સિલિન્ડર મેળવવા માટે લાઈનો લગાવવાનું ચાલુ રાખ્યું છે. પંજાબના બરનાલામાં એલપીજી સિલિન્ડર માટેની લાઈનમાં ઊભા રહેલા ૬૬ વર્ષના વૃદ્ધ ભૂષણ કુમાર મિત્તલનું મોત થઈ ગયું હતું. તેઓ સવારે ૭.૧૫ કલાકથી લાઈનમાં ઊભા હતા અને તેમનો નંબર ૨૫મો હતો. જોકે, તેમનો વારો આવે ત્યાં સુધીમાં લાઈનમાં જ તેમનું મોત થઈ ગયું.બીજીબાજુ દેશમાં અનેક સ્થળે એલપીજીના કાળાબજાર થતા હોવાનું સામે આવ્યું છે. સરકારે કાળાબજાર કરનારા લોકો સામે લાલ આંખ કરી છે. અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે તથા કેટલાકની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં એક જ ઘરમાંથી એલપીજીના ૫૫ ભરેલા બાટલા મળી આવ્યા હતા. ઉત્તર પ્રદેશના હાપુડમાં પોલીસે નેતા અબ્દુલ રેહાનના ઘરમાંથી ઘરેલુ એલપીજીના ૫૫ ભરેલા બાટલા જપ્ત કર્યા હતા. એ જ રીતે કર્ણાટકના યાદગીરમાં ૪૬ એલપીજી સિલિન્ડર મળી આવ્યા હતા, જેનો કથિત રીતે હોટેલમાં ઊપયોગ થતો હતો. તમિલનાડુના મદુરાઈમાં એલપીજીના કાળાબજારનો પર્દાફાશ કરાયો હતો અને ૩૯૮ બાટલા જપ્ત કરાયા હતા. દેશમાં હાલમાં સભવતઃ પહેલી વખત આટલા જંગી પ્રમાણમાં એલપીજી બાટલા જપ્ત કરાયા હતા. પોલીસે આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરી હતી.
દરમિયાન કેન્દ્ર સરકારે શુક્રવારે લોકોને ગભરાઈને એલપીજી સિલિન્ડરની ખરીદી કરવાનું ટાળવા જણાવ્યું હતું. સરકારી અધિકારીઓએ કહ્યું કે, પાંચ માર્ચથી ઘરેલુ સિલિન્ડરના ઉત્પાદનમાં ૩૦ ટકાનો વધારો કરાયો છે. દેશમાં મધ્ય-પૂર્વના યુદ્ધ પહેલાં સરેરાશ દૈનિક ૫૫.૭ લાખ સિલિન્ડર્સનું બૂકિંગ થતું હતું. પરંતુ યુદ્ધ તેમજ ગભરાટના કારણે ૧૨ માર્ચને ગુરુવારે ૭૫.૭ લાખ બૂકિંગ કરાયા હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે દૈનિક ૨૫ લાખ એલપીજી સિલિન્ડર વધુ બૂક થઈ રહ્યા છે. સરકાર દૈનિક ૫૦ લાખ સિલિન્ડરની ડિલિવરી કરતી હતી અને તેટલી ડિલિવરી હજુ પણ ચાલુ જ છે, એટલે લોકોએ ગભરાઈને બૂકિંગ કરવાની કોઈ જરૂર નથી.
દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી જેટ ફ્યુઅલના ભાવમાં તિવ્ર ઊછાળો આવ્યો છે. જેથી એર ઈન્ડિયા ગૂ્રપ પછી હવે ઈન્ડિગોએ પણ શનિવારથી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર રૂ. ૪૨૫થી રૂ. ૨,૩૦૦ સુધી ફ્યુઅલ ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. પરિણામે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ટિકિટોના ભાવ વધશે.
ભારતના 28 ટેન્કર મંજૂરીની રાહમાં
ભારતના બે એલપીજી ટેન્કરે હોર્મુઝની ખાડી પાર કરી દીધી
– ભારતીય નેવીએ 40,000 મેટ્રિક ટન સાથેના એલપીજી શિવાલિક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરાવ્યું
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે ભારતમાં એલપીજીની કટોકટી વધુ ઘેરી બની રહી છે તેવા સમયે દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. ભારત અને ઈરાન સરકાર વચ્ચે વાટાઘાટો સફળ રહી છે. ઈરાને ગ્રીન સિગ્નલ આપતા ભારતના બે એલપીજી ટેન્કરે શુક્રવારે મોડી રાતે હોર્મુઝની ખાડી પાર કરી દીધી હતી. આ એલપીજી ભારત પહોંચતા સરકારને રાંધણ ગેસની અછત દૂર કરવામાં મદદ મળશે. જોકે, ભારતના ક્રૂડ ઓઈલ, એલપીજી, એલએનજી ભરેલા કુલ ૨૮ ટેન્કરો હોર્મુઝની ખાડી પાર કરવા રાહ જોઈ રહ્યા છે.
ભારતમાં ઈરાનના રાજદૂત મુહમ્મદ ફતહીએ સંકેત આપ્યા હતા કે ભારતને ક્રૂડ ઓઈલના પરિવહન માટે દુનિયાના સૌથી મહત્વના સમુદ્રી માર્ગ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત જવાનો રસ્તો મળી શકે છે. તેમણે કહ્યું કે, ભારત ઈરાનનો મિત્ર છે અને આ કારણે ભારતીય જહાજોને આ સમુદ્રી માર્ગમાંથી પસાર થવાની મંજૂરી મળી શકે છે. હોર્મુઝની ખાડીમાં ફસાયેલા ભારતીય જહાજોને બહાર કાઢવા માટે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે શુક્રવારે વધુ એક વખત ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્રાહમ અરાઘચી સાથે વાતચીત કરી હતી. આખરે ભારતને યુદ્ધ વચ્ચે કુટનીતિક જીત મળી હતી. ઈરાને ભારતના બે ટેન્કરોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. આ બંને ટેન્કર એલપીજી લઈને આવી રહ્યા છે.
દરમિયાન શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું કે, હોર્મુઝની ખાડીમાં ભારતના ધ્વજવાળા ૨૮ જહાજો ફસાયા છે, જેમાંથી એક જહાજ સુરક્ષિત રવાના થઈ ગયું છે. ઓમાનથી આફ્રિકા માટે ગેસોલીન લઈને જઈ રહેલું ભારતીય ધ્વજવાળું ઓઈલ ટેન્કર જગ પ્રકાશ હોર્મુઝની પૂર્વથી રવાના થઈ ગયું છે. હોર્મુઝની ખાડીમાં ફસાયેલા ભારતના ૨૮ જહાજોમાંથ ૨૪ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પશ્ચિમમાં અને ચાર પૂર્વમાં છે. આ સિવાય ભારતીય નેવી દ્વારા શિવાલિક નામના જહાજને માર્ગદર્શન આપીને ૪૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરાવ્યું છે.










