પ્રાથમિક સુવિધાના અભાવે નગરજનોમાં આક્રોશ
બે પમ્પિંગ સ્ટેશન છતાં અઠવાડિયાથી ઉભરાતી ગતરમાંથી લોકો પસાર થવા મજબૂર
નડિયાદ: મહેમદાવાદ શહેરમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર પાછળ બે પમ્પિંગ સ્ટેશનો હોવા છતાં ઘણા સમયથી સતત ગટરો ઉભરાતા ચારે તરફ પાણી પ્રસરી રહ્યું છે. ઠેર ઠેર ગંદકી- કચરાના ઢગલા અને બંધ સ્ટ્રીટ લાઈટોથી લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.
મહેમદાવાદ શહેરમાં હવે ભાજપે બહુમતી સાથે સત્તા સંભાળી લીધી છે. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. મંદિરોની સામે જ ગોઢવેલા કચરાના સ્ટેન્ડમાંથી નિયમિત કચરો ઉઠાવવામાં આવતો નથી. જેથી કચરો ઉડીને રોડ પર આવે છે. વિરોલ દરવાજાથી સ્ટેશન સુધીના રસ્તા ઉપર બ્રશ સફાઈ કરીને ધૂળના ઢગલાઓ રોડની બાજુમાં જ ખડકી દેવાયા છે. જેથી રોડ પર જનારાને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
ઉપરાંત પંચમુખી હનુમાનજી મંદિર પાછળ બે પમ્પિંગ સ્ટેશનનો હોવા છતાં અઠવાડિયાથી સતત ગટરો ઉભરાઈ રહી છે. જેથી લોકો ગંદકીમાંથી અવર-જવર કરવા મજબૂર બન્યા છે. મંદિરે જતા દર્શનાર્થીઓ પણ ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઉભરાતી ગટરની આસપાસમાં રહેતા કૃષ્ણનગર સોસાયટી, ખાડામાં રહેતા વાઘેલા પરિવારો, શ્રોફ નગર સોસાયટી, જેપી નગર સોસાયટી સહિતની સોસાયટીના રહીશોને ગટરના ગંદા પાણી ખૂંદી પસાર થવું પડે છે. હનુમાન મંદિરથી મુખ્ય રસ્તાને જોડતો માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર છે. આ રોડ ઉપર ડામર પાથરવામાં આવતો નથી. આમ સ્ટ્રીટ લાઈટ ઉભરાતી ગટરો, સફાઈ જેવા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભારે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.