![]()
વડોદરા,આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના ઉપપ્રમુખની ઓળખ આપી કેબલ કનેક્શનના વેપારીને બદનામ કરે તેવી પોસ્ટ મૂકનાર સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા મનિષ પરસોત્તમભાઇ બેલાણી કેબલ કનેક્શનનો વેપાર કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૯ મી તારીખે હું મારા ઘરે હતો. તે દરમિયાન મારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. મારે તમારૃં કામ છે. તેવું કહ્યું હતું.પરંતુ, નંબર અજાણ્યો હોઇ મેં નંબર બ્લોક કરી દીધો હતો. થોડીવાર પછી ફરીથી મારા પર બીજા નંબર પરથી કોલ કરીને તેણે કહ્યું કે, તમે મારો ફોન કેમ બ્લોક કરો છો ? તમે મને જાણતા નથી, હું તમારો ધંધો બંધ કરાવી દઇશ. મેં તે નંબર પણ બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ મારા મોબાઇલ પર મેેસેજ આવ્યો હતો કે, હું રિયાઝ શેખ આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપપ્રમુખ છું અને તું ક્યાં દારૃ રાખે છે. તેની માહિતી અને વીડિયો મારી પાસે છે.જે હું પોલીસ કમિશનર સુધી પહોંચાડી દઇશ તેવું કહીને ધમકાવ્યો હતો. રિયાઝ શેખ નામના ફેસબુક આઇ.ડી. પર હું તથા સોનુ વારસિયામાં દારૃનો ધંધો કરીએ છે. તેવી પોસ્ટ મૂકી બદનામ કરવાની ધમકી આપી દર મહિને બે હજાર ખંડણી આપવાનું જણાવી ૩૪ હજાર ગૂગલ પે મારફતે તેમજ ૧૦ હજાર રોકડા લઇ લીધા હતા. જો દર મહિને પાંચ હજાર ના આપે તો આવી પોસ્ટ મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી.
વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી રિયાઝઉદ્દીન હિશમુદ્દીન શેખ (રહે. શ્યામવાલા કોમ્પલેક્સ, ભદ્ર કચેરી પાસે, પાણીગેટ) ની ધરપકડ કરી મોબાઇલ ફોન અને રોકડા ૧૪ હજાર કબજે કર્યા છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, રિયાઝ શેખે ત્રણ મહિના અગાઉ જ રાજીનામુ આપી દીધું છે.










