BJP Win MCD Election: ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના મેયર બન્યા છે. તેમણે 133 મતની બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા હતાં. જય ભગવાન યાદવ (બેગમપુર વોર્ડ) દિલ્હીના ડેપ્યુટી મેયર બન્યા છે. આ સાથે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બે વર્ષ બાદ ફરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં પાછી ફરી છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ વિજયી બની છે. રાજા ઇકબાલ સિંહ ભાજપ તરફથી મેયર પદના ઉમેદવાર હતા. તેમણે જણાવ્યું કે, દિલ્હીના લોકોએ અમને શહેરની સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી સોંપી છે. AAP એ પહેલાથી જ પોતાની હાર સ્વીકારી લીધી છે. હવે આપણે ભ્રષ્ટાચારનો અંત લાવીશું અને છેલ્લા બે વર્ષથી પડતર કામ પૂર્ણ કરીશું.
AAPએ ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું
ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં AAPના ભૂતપૂર્વ મેયર શૈલી ઓબેરોય અને નેતા મુકેશ ગોયલે પ્રજાને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે, ભાજપે લોકશાહી પ્રક્રિયાની મજાક ઉડાવી છે. બીજી તરફ, કોંગ્રેસ તરફથી મનદીપ સિંહે મેયર પદ માટે અને અરીબા ખાને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
આ પણ વાંચોઃ સોનાની ચમક ઝાંખી પડી, ઓલટાઈમ હાઈથી રૂ. 2900 સસ્તુ થયું, જાણો આજે શું રહ્યા ભાવ
– એમસીડીમાં કુલ બેઠકો: 250
– વર્તમાન સક્રિય બેઠકો: 238 (12 બેઠકો ખાલી)
– ભાજપ: 117 (2022માં 124)
– AAP: 113 (2022માં 134)
– કોંગ્રેસ: 8
રાજા ઈકબાલ સિંહ કરશે મિટિંગ
દિલ્હીના મેયર બન્યા બાદ રાજા ઈકબાલ સિંહ તમામ કાઉન્સિલર્સ સાથે બેઠક કરશે. આ મિટિંગમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે. જેમાં લાલા લાજપત રાય માર્ગનું નામ બદલીને બોડો નેતા ઉપેન્દ્રનાથ બ્રહ્મ માર્ગ રાખવા, એમસીડી કર્મચારીઓની આરોગ્ય યોજનાની સમીક્ષા અને જર્જરિત ઇમારતોને તોડી પાડવા જેવા મુદ્દા સમાવિષ્ટ છે.
હવે બહાના કામ નહીં કરે, કામ કરવું પડશેઃ સૌરભ ભારદ્વાજ
આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તેઓ ભાજપને ટ્રિપલ એન્જિનમાં સરકાર ચલાવવાની તક આપી જોવા માગે છે કે, ભાજપ વાસ્તવમાં શું કામ કરી શકે છે. ચૂંટણી પરિણામો બાદ AAP નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે બધી યુક્તિઓ અને ચાલાકી પછી પણ, 250 કાઉન્સિલરોના MCDમાં ભાજપ પાસે ફક્ત 117 કાઉન્સિલર્સ છે. 238 કાઉન્સિલર્સના ગૃહમાં તેણે માત્ર 120ની જ બહુમતી મેળવી છે. ભાજપની આ ટ્રિપલ નહીં ફોર એન્જિન સરકારે હવે કોઈ બહાનું બતાવવુ નહીં. હવે કોઈના પર દોષનો ટોપલો ઢોળવો નહીં, તેણે હવે કામ કરીને બતાવવુ પડશે. પ્રજાને એક મહિનામાં જ તેમના કામની ખબર પડી જશે.