મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ પહલગામના હુમલાનો ઉલ્લેખ કર્યો
પહલગામના પીડિતોને ન્યાય મળશે, આખું વિશ્વ આપણી સાથે, ભારત અવકાશ ક્ષેત્રમાં ગ્લોબલ પાવર બન્યું : વડાપ્રધાન મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પહલગામમાં આતંકી હુમલાના સંદર્ભમાં કહ્યું કે, માત્ર મારું જ નહીં દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે. આતંકીઓએ પહલગામમાં કુંઠિત કાયરતા દર્શાવી છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને વિકાસની ગતિમાં અવરોધો ઊભા કરવા માટે આતંકીઓએ આ હુમલો કર્યો હતો, પરંતુ કોઈને છોડવામાં નહીં આવે. આખી દુનિયા ભારત સાથે છે. પહલગામના પીડિતોને ન્યાય મળશે, તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૧૨૧મા એપિસોડમાં દેશને સંબોધન કર્યું હતું. કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વિક્રમી વધારો થઈ રહ્યો હતો. સ્થાનિક લોકોની કમાણી વધી રહી હતી. પરંતુ આતંકીઓને આ બધું ગમ્યું નહીં. તેથી પર્યટકો પર આ હુમલો કરવામાં આવ્યો. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં ૧૪૦ કરોડ ભારતીયોની એકતા સૌથી મોટી તાકાત છે. આ એકતા જ આપણી લડાઈનો આધાર પણ છે. આતંકી હુમલા અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, આજે દુનિયા જોઈ રહી છે કે આતંકી હુમલા પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે. ભારતના લોકોમાં જે આક્રોશ છે, તે આખી દુનિયામાં પણ છે. આખું વિશ્વ આ લડાઈમાં આપણી સાથે ઊભું છે. પહલગામ આતંકી હુમલાના પીડિતોના પરિવારોને હું વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય મળશે. આ હુમલાનું કાવતરું રચનારાઓને આકરી સજા મળશે.
આ સિવાય ભારતના અવકાશ કાર્યક્રમોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત ગ્લોબલ સ્પેસ પાવર બન્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતના અવકાશ કાર્યક્રમો ઓછા ખર્ચાળ પરંતુ સફળ રહ્યા છે અને ભારતીય અવકાશ સંસ્થાએ ભવિષ્યમાં નવી ઊંચાઈઓ સર કરવાની છે. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઈસરોના ભૂતપૂર્વ પ્રમુખ કે. કસ્તુરીરંગનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.