Gujarat Local Body Elections: એક સમય હતો જ્યારે નેતાઓ મંચ પરથી ભાષણ આપતાં અને લોકો તાળી પાડી દેતાં પણ હવે સમય એવો આવ્યો છે કે નેતાઓ પોસ્ટ કરે અને લોકો કોમેન્ટમાં કટાક્ષના મેસેજનો ધોધ વરસાવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે સોશિયલ મીડિયામાં જનતા એવી રીતે સક્રિય બની છે કે દરેક પોસ્ટ નીચે વ્યંગ, મજાક અને તીખી ટિપ્પણીઓનો વરસાદ વરસી રહ્યો છે. એક ડૉક્ટર રાજકારણીએ રાજીનામું આપ્યું તો નીચે કટાક્ષ થઈ કે, ચામડીના ડૉક્ટર હશે લોકોની જાડી ચામડી ઓળખી ગયા ઉપરાંત બકરી આદુ ખાઈ ગઈ, ધોરણ 10માં 7માંથી છ વિષયમાં નાપાસ ખાલી પીટીમાં જ પાસ તે પણ આચાર્ય ગુણ સાથે. આવા કટાક્ષ સાથેના સોશિયલ મીડિયા આ નવા ટ્રેન્ડને કારણે નેતાઓ માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે.
લોકોના તીખા કટાક્ષ
સુરત પાલિકાની ચૂંટણી માટેનો માહોલ માંડ જામ્યો છે પરંતુ દરેક રાજકીય પક્ષોને શેરી- મહોલ્લા સોસાયટીમાં લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે હવે રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો સહારો લઈ પ્રચાર પ્રચાર કરી રહ્યા છે. જો કે શેરી મહોલ્લાની જેમ રાજકારણીઓને સોશિયલ મીડિયા પર પણ લોકો પરસેવો પડાવી રહ્યા છે. રાજકીય પક્ષના નેતાઓ કે સમર્થકો સોશિયલ મીડિયા પર પોતાનો પ્રચાર કે સામેના પક્ષનો વિરોધ કરતી પોસ્ટ મૂકે છે તેની સામે લોકો આક્રમક વલણ અપનાવી પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક લોકો તો સીધી ગાળો લખી રહ્યા છે પરંતુ કેટલાક લોકો તીખા કટાક્ષ સાથે રાજકીય પક્ષોનો ઉઘડો લઈ રહ્યા છે.

‘ચામડીના ડૉક્ટર હશે લોકોની જાડી ચામડી ઓળખી ગયા’
રાજકીય પક્ષના સમર્થકો- વિરોધીઓને બાદ કરતા સામાન્ય લોકો રાજકારણીઓની પોસ્ટ પર તીખા કટાક્ષ સાથે મજા લઈ નેતાઓની ખિલ્લી ઉડાવી રહ્યાં છે. સુરતમાં એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ડૉક્ટર નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું તે પોસ્ટ નીચે અનેક કોમેન્ટ છે પરંતુ એક કોમેન્ટ એવી છે કે, એ ચામડીના ડૉક્ટર હશે લોકોની જાડી ચામડી ઓળખી ગયા. આ ઉપરાંત એક ઉમેદવારની શૈક્ષણિક લાયકાત વિશેની પોસ્ટ હતી તો તેની નીચે પણ સંખ્યાબંધ કોમેન્ટ હતી જેમાં એક એવી હતી કે ધોરણમાં 10 ધોરણમાં 7માંથી 6 વિષયમાં નાપાસ એક માત્ર પીટીમાં પાસ એ પણ આચાર્ય ગુણથી ઉપર ચડાવ્યો છે.
‘ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે’
આ ઉપરાંત ઉમેદવારના ફોર્મ ખેંચવાની પોસ્ટ સામે પણ સંખ્યાબંધ કોમેન્ટ થઈ રહી છે તેમાં લોકો આક્રોશ અને કટાક્ષ કરી ડૉક્ટર નેતાજીની ખેંચી રહ્યા છે. લોકો કોમેન્ટ કરે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોતાં એવું લાગે છે ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે આવા લોકો દેશ માટે નહીં પણ પેટ માટે જ રાજકારણમાં આવે છે, આ લોકોને દેશથી કાંઈ લેવા દેવા નથી. માત્ર રૂપિયા પાછળ દોડે છે આ ઉપરાંત અનેક કટાક્ષ કરવામાં આવ્યા છે.

ઉમેદવારે દાન માંગ્યું તો કહ્યું ગળામાં સોનાની ચેઇન છે તે વેચી કાઢો
સુરતના એક ઉમેદવારે સોશિયલ મીડિયા પર દાન માંગવાની પોસ્ટ મૂકી તેની સામે અનેક કટાક્ષ થઈ રહ્યા છે. કોઈ સવા રુપિયો આપી કટાક્ષ કરવા સાથે ઉમેદવારની મજા લઈ રહ્યા છે. તો કોઈ કહે છે, જીતી ગયા પછી અમને કેટલા આપશો, તો અન્ય એક કોમેન્ટ એવી છે કે જે પાર્ટી તેમના ઉમેદવારને લડવા માટેનો ફંડ નથી આપી શકતી તે પાર્ટી લોકોના દેવા માફ કરવાની વાત કરે છે, લોકોને ફ્રીમાં વીજળી આપવાની વાત કરે છે અને લોકોને તમામ સુવિધા આપવાની વાત કરે છે ક્યાંથી પણ? તો કોઈએ કોમેન્ટ કરી ગળાની ચેન વેચો ભાવ 1,53,000 છે. ચેન જોતાં તો લાગે છે 3 તોલાની હોય તો 4,50,000 તો આવશે.
કટાક્ષ ભરી કોમેન્ટનો ધોધ
રાજકીય પક્ષોના સમર્થનમાં કરવામાં આવતી પોસ્ટ્સ નીચે આવી કટાક્ષ ભરી કોમેન્ટનો ધોધ વહી રહ્યો છે, જે દર્શાવે છે કે જનતા હવે માત્ર વચનોમાં નહીં પરંતુ કામગીરીમાં વિશ્વાસ કરે છે. સોશિયલ મીડિયાના આ નવા ટ્રેન્ડને કારણે નેતાઓ માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. કારણ કે અહીં કોઈ મંચ કે માઇકની મર્યાદા નથી, લોકો ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો ‘જય શ્રી રામ’ બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા ‘ભાગ્યા..ભાગ્યા..’ના નારા
ફોર્મ પરત ખેંચવાવાળા ઉમેદવારો પર લોકોનો વ્યંગ, કોઈ કોમેન્ટમાં લખે છે..
-વાંદરાઓનો સ્વભાવ હોય છે કૂદાકૂદ કરવાનો
-ચૂંટણી જીતવા નવી રીત અપનાવી..ફોર્મ ખેંચાવો અને વગર ચૂંટણી લડ્યે ચૂંટણી જીતો
-ચૂંટણીમાં જેટલો ખર્ચ કરે એટલો સામેવાળા ઉમેદવારને આપી દો
-એક જગ્યાએ તો એ ભાઈ ઉપર ઘણું બધું દબાણ લાલચ આપી પણ એ ભાઈ પોતાનું ફોર્મ ખેંચ્યું નહીં પણ એ ભાઈની જૂની પ્રેમિકાની પાસે લેખિતમાં ફરિયાદ કરાવી પોલીસ તો રાહ જોઈને બેઠી ક્યારે આવે ફરિયાદી; ફરિયાદ કરે તેટલી જ વાર બોલો કેટલી હદ કરી નાખી છે.










