![]()
વડોદરા :૧૫ વર્ષની દિકરી સાથે વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી
બનાવવાના ચકચારી બનવામાં સંડોવાયેલા નરાધમ કલિયુગી પિતાને અદાલતે જીવે ત્યાં
સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી. ચૂકાદામાં
ન્યાયાધીશે પિતા-પુત્રીના સંબંધોને લઈને અત્યંત કરૃણ અને ગંભીર અવલોકન કરતા
નોંધ્યું હતું કે,પિતા એ દીકરીનો સૌથી મોટો રક્ષક અને
વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય છે, પરંતુ આ કેસમાં રક્ષક જ ભક્ષક
બન્યો છે.
પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતા આ બનાવની વિગત એવી છે કે, ભોગ
બનનારની માતા વિદેશમાં ં નોકરી કરતી હતી અને તેના પિતા બે બાળકો સાથે વડોદરામાં
રહેતો હતો. વર્ષ ૨૦૨૩માં દિકરી તેની સહેલીના જન્મદિવસની ઉજવણીમાં ગઇ હતી અને
રાત્રે તે ઘરે આવી ત્યારે નરાધમ પિતાએ તેની સાથે બળજબરી કરી હતી અને દુષ્કર્મ
આચર્યું હતું. આ સિલસિલો લાંબો સમય ચાલ્યો
હતો. આખરે કંટાળેલી દીકરીએ આરોપીના જ મોબાઈલથી પિતાના કરતૂતોનો વીડિયો ઉતારી
માતાને મોકલ્યો હતો. જે બાદ માર્ચ ૨૦૨૫ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ પી.સી. પટેલે
હાજર રહ્યાં હતા અને તેમણે દલીલ કરી હતી કે સાયન્ટિફિક પુરાવા અને મેડિકલ રિપોર્ટ
આરોપીની સંડોવણી સાબિત કરવા માટે પુરતા છે. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે ૧૫
સાક્ષીઓ અને ૫૯ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે, સુનાવણી
સમયે ભોગ બનનાર દીકરી અને તેની માતા (ફરિયાદી) બંને ફરી ગયા હતા (હોસ્ટાઈલ થયા
હતા) અને આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોક્સોની સ્પેશ્યલ કોર્ટના ન્યાયાધીશ શકુંતલા એન સોલંકીએ બન્ને
પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ આરોપીને આજીવન કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો
દંડ ફટકારી ચૂકાદામાં નોંધ્યું હતું કે, ભલે મુખ્ય સાક્ષીઓ ફરી ગયા હોય, પરંતુ એફ.એસ.એલ. રિપોર્ટમાં વીડિયોમાં દેખાતો વ્યક્તિ આરોપી જ હોવાનું
સાબિત થયું છે. સામાજિક કે આથક દબાણ હેઠળ સાક્ષીઓ ફરી જાય તો પણ ન્યાયતંત્ર
મૂકપ્રેક્ષક બની શકે નહી.
દીકરીએ પિતાના કરતૂતનો
વીડિયો ઉતારી માતાને મોકલ્યો હતો
જ્યારે પિતા વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો અને માતા તેની વાત
માનતી નહોતી,
ત્યારે ૧૫ વર્ષની સગીરાએ હિંમત દાખવી હતી. પિતાના જ મોબાઈલ ફોનનો
ઉપયોગ કરી તેણે જ્યારે પિતા તેની સાથે શરીર સંબંધ બાંધતા હતા તે વખતનો વીડિયો
રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો તેણે માતાને મોકલ્યો ત્યારે જ માતાને સત્ય સમજાયું
હતું. કોર્ટમાં આ વીડિયો જ સૌથી મોટો આઈ-વિટનેસ (નજરે જોનાર સાક્ષી) સાબિત થયો
હતો.
ખોટી જુબાની આપવા બદલ માતા અને પીડીતા સામે નોટીસ કાઢવા આદેશ
આ કેસમાં સૌથી દુખદ પાસું એ હતું કે, જે
માતાએ ફરિયાદ નોંધાવી હતી અને જે દીકરી પર જુલમ થયો હતો, તે
બંને કોર્ટમાં ફરી ગયા હતા. માતાએ કોર્ટમાં
એવું જૂઠું બોલવાનો પ્રયાસ કર્યો કે, પતિએ માત્ર
દીકરીને માર માર્યો હતો અને દુષ્કર્મ થયું જ નથી.
આ જોઈને કોર્ટે ે બન્નેને નોટિસ ફટકારી છે કે, જાણીજોઈને
ખોટો પુરાવો આપવા બદલ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી?
સામાજિક સંસ્થાની મદદથી ફરિયાદ નોંધાઇ
હતી
આ કેસમા એક મહિલા ં સામાજિક કાર્યકર્તા તેમજ મહિલો ચાઈલ્ડ
વેલફેર ઓફિસરે ભોગ બનનારને ન્યાય અપાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. પિડીતાના નિવેદન લેવાથી લઈને તેને હિંમત આપવા
સુધીની કામગીરી તેમણે કરી હતી. અંતે, ડીએનએ રિપોર્ર્ટ, મોબાઈલનો
વિડીયો અને એફ.એસ.એલ.ના વૈજ્ઞાાનિક પુરાવાઓએ આરોપીના બચાવના તમામ રસ્તાઓ બંધ કરી
દીધા હતા, જેના કારણે નરાધમ પિતા આજે જેલના સળિયા ગણે છે.
કોર્ટના આદેશથી ગર્ભપાત કરાયો હતો
તબીબી તપાસ દરમિયાન ૧૫ વર્ષની સગીરા ગર્ભવતી હોવાનું બહાર
આવ્યું,
ત્યારે પીડિતા અને તેની માતાની સંમતિ બાદ નામદાર અદાલતે ગર્ભપાત
માટે મંજૂરી આપી હતી. વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે નિષ્ણાંત તબીબોની ટીમ
દ્વારા સગીરાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન ગર્ભના નમૂના
(ડીએનએ) સાચવી રાખવામાં આવ્યા હતા. જોકે ટ્રાયલ દરમિયાન પીડિતા અને માતા પોતાની
જુબાનીથી ફરી ગયા હતા, પરંતુ એફ.એસ.એલ.ના ડીએનએ રિપોર્ટમાં
ભૃણના જૈવિક પિતા સગીરાના પિતા હોવાનું વૈજ્ઞાાનિક રીતે સાબિત થયું હતું.









