![]()
– ઇવીએમ સાથે ચેડાના આરોપ બાદ ફરી મતદાન યોજાયું
– ટીએમસીના જહાગીરના માણસો ધમકાવી રહ્યા હોવાના આરોપ સાથે મુસ્લિમ મહિલાઓ સહિતનાનું પ્રદર્શન
કોલકાતા : પશ્ચિમ બંગાળના ૧૫ બુથો પર ફરી મતદાન યોજાયું હતું, જોકે ફરી વખત મતદાન કરવામાં પણ મતદારોએ ભારે ઉત્સાહ દેખાડયો હતો અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૮૬.૯૦ ટકા મતદાન થયું હતું. આ એવા બુથ છે કે જ્યાં ઇવીએમ સાથે ચેડા કરવાનો આરોપ લગાવાયો હતો તેથી ફરી મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લાની બે વિધાનસભા બેઠકોમાં સામેલ આશરે ૧૫ જેટલા મતદાન મથકે ફરી મતદાન યોજવામાં આવ્યું હતું. શનિવારે સવારે સાત વાગ્યે જ મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. જે સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. પાંચ વાગ્યા સુધીમાં જ ૮૭ ટકા સુધીનું મતદાન થયું હતું તેથી છ વાગ્યા સુધીમાં ટકાવારી ૯૦ને પાર જવાની આશા હતી. આ પહેલા ૨૯મી એપ્રીલે આ બન્ને વિધાનસભા બેઠકો સહિત તમામ બાકી રહેલી બેઠકો પર મતદાન થયું હતું. જોકે કેટલાક બુથો પર ઇવીએમ મશીનના વોટિંગ બટન પર જ ટેપ ચોટેલી જોવા મળી હતી. જેને પગલે તપાસ કર્યા બાદ આવા બુથ પર ફરી મતદાનનો નિર્ણય લેવાયો હતો.
જે જિલ્લાનામાં ફરી મતદાન થયું તે ૨૪ પરગણામાં મોટી સંખ્યામાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા હતા અને ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા તેમને ધાક ધમકી અપાઇ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને પગલે સીઆરપીએફ ડેપ્યુટી કમાન્ડન્ટે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોને સુરક્ષા પુરી પાડવાની ખાતરી આપી હતી. ધરણા પ્રદર્શન કરી રહેલા લોકોના હાથમાં ભાજપનો ઝંડો જોવા મળ્યો હતો તેઓએ હાસીમનગર ગામમાં રસ્તા ચક્કાજામ કર્યા હતા. આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક પંચાયત પ્રધાન અસરફીલ ટીએમસીના ઉમેદવાર જહાગીર ખાન સાથે સંબંધ ધરાવે છે તે અમને ચૂંટણી પરીણામો બાદ હુમલાની ધમકી આપી રહ્યો છે. જોકે જહાગીર ખાને કહ્યું હતું કે જો આરોપો સાચા ઠરે તો હું કાયદાનો સામનો કરવા તૈયાર છું. ભાજપના મહિલા મોરચાની ફાતીમા બીબીએ કહ્યું હતું કે અસરફી અને તેના માણસો સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યા છે.










