નવી દિલ્હી,૧ મે,૨૦૨૫,ગુરુવાર
પહેલગામમાં આતંકવાદી હુમલો થયા પછી કાશ્મીર વેલીમાં કેસરની કિંમતમાં ધરખમ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક કિલો કેસરનો ભાવ પ લાખને પાર કરી ગયો છે. પહેલગામમાં આતંકવાદી હુમલો થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આવનારા દિવસોમાં કેસર વધારે મોંઘુ થઇ શકે છે. કેસરની કિંમત વધવાનું સૌથી મોટું કારણ અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ તે જવાબદાર છે. અટારી બોર્ડર પરથી કેસરની આયાત થતી હતી પરંતુ બોર્ડર બંધ થવાથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે. ભારતમાં કેસરની જરુરીયાત પુરી પાડવામાં અફઘાનિસ્તાન ખૂબ મોટો મદાર છે.
અફઘાનિસ્તાનનું કેસર તેના રંગ અને વિશિષ્ટ ખૂશ્બુ માટે જાણીતું છે. તેના પ્રમાણમાં ઇરાનનું કેસર સસ્તું હોય છે. કાશ્મીરમાં કેસરનું ઉત્પાદન વધારીને ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે રાષ્ટ્રીય કેસર મિશન અંર્તગત પ્રયાસો શરુ કર્યા હતા પરંતુ કેસરના ભાવમાં વચેટિયાઓને વધારે ફાયદો થતો હતો. કેસરની કિંમત વધવાથી કાશ્મીરના જે ખેડૂતો પાસે કેસરનો સ્ટોક છે તે ખૂશ જણાય છે. કાશ્મીરના કેસરનો લાલ રંગ, અત્યંત ખૂશ્બુ અને ક્રોસિનની ઉચ્ચમાત્રાના લીધે દુનિયા ભરમાં ફેમસ છે.
કાશ્મીરી કેસરને તેની આ ખાસિયતના લીધે જીઆઇ (જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ મળ્યો હતો. આ ટેગના લીધે કાશ્મીરી કેસરને વિશિષ્ટ ઓળખ મળી છે. ભારતની ઘરેલું માંગ યથાવત રહેશે અને આયાત નહી થાયતો કેસરના ભાવ હજુ પણ વધતા રહેવાના છે. સારી ગુણવત્તાવાળા કેસરની કિંમત ૫૦ હજારથી ૭૫૦૦૦ જેટલી વધવાથી આ પરિસ્થિતિ સર્જાઇ છે. કાશ્મીર વેલીમાં કેસરનું ઉત્પાદન ઘટી ગયું છે. ભારતમાં દર વર્ષે ૫૫ ટન કેસરનો વપરાશ થાય છે પરંતુ શ્રીનગરન અને જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડમાં માત્ર ૬ થી ૭ ટન જ કેસર પેદા થાય છે.