![]()
ન્યારી ડેમ પાસે હથિયાર સાથે રિલ્સ બનાવવા આવ્યા હતા : લાયસન્સવાળા હથિયારધારક બિલ્ડર નીલેશ હિરાણીને SOGએ નોટિસ આપી પૂછપરછ માટે તેડું મોકલ્યું
રાજકોટ, : અમદાવાદના અસારવાના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના ઉઠીયાણ પૌત્ર આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.18, સૂર્યા સ્ટેટર સોસાયટી, કુડાસણ, ગાંધીનગર), તેના મિત્ર ધ્રુમીલ અમિત ઠાકોર (ઉ.વ. 20, રહે. ઘાટલોડિયા ગામ, ડભોડિયાવાસ, અમદાવાદ) અને બંનેના સગીર મિત્રને ગઇકાલે રાત્રે રાજકોટ એસઓજીએ ન્યારી ડેમ પાસેથી જર્મન બનાવટની પિસ્તોલ અને એક જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધા હતાં.
એસઓજીએ આદિત્યની રૂા. 80 લાખની કિંમતની લકઝુરીયસ ફોર્ડ મસ્ટાંગ કાર, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 83.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્યું કે આદિત્ય મિત્ર ધુ્રમિલ સાથે રાજકોટમાં બે દિવસ પછી યોજાનાર મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. તેને રિલ્સ અને ફોટોગ્રાફી કરવી હતી, જેમાં હથિયારની જરૂર પડતાં ધો. 10માં અભ્યાસ કરતાં સગીર મિત્રને વાત કરી હતી. જે પોતાના પરિચિત બિલ્ડર નીલેશ વલ્લભ હિરાણી (રહે. આલાપ એવન્યુ, પુષ્કરધામ મેઇન રોડ) પાસેથી તેની લાયસન્સવાળી જર્મન બનાવટની રૂા. 1.25 લાખની કિમતની રિવોલ્વર લઇ આવ્યો હતો.
આ રિવોલ્વર સાથે ત્રણેય આરોપીઓ ગઇકાલે રાત્રે ન્યારી ડેમ મેઇન રોડ પર સરલા કામદાર રોટરી પાર્ક પાસે રિલ્સ બનાવી રહ્યા હતા ત્યારે એસઓજીના પીઆઇ એન.બી. ચૌધરી અને પીએસઆઈ વી. વી. ધ્રાંગુએ ઝડપી લીધા હતાં. ત્રણેય આરોપીઓ સામે ક્રાઇમ બ્રાંચમાં આર્મ્સ એક્ટ, જીપી એક્ટ અને બીએનએસની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજીએ હથિયારના પરવાનેદાર નીલેશ હિરાણીને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યો છે.










