![]()
– યુદ્વના ધોરણે આયાત અંકુશના વધુ પગલાં લેવાયા
– ચાંદીની અમુક કેટેગરીની આયાત માટે આરબીઆઈની મંજૂરી જરૂરી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશ બહાર જતાં વિદેશી હૂંડિયામણને અટકાવવા યુદ્વના ધોરણે આયાત અંકુશો મૂકવા માંડયા છે. સોનાની આયાત પર ડયુટીને ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કર્યા સાથે આયાત અંકુશો મૂક્યના બે દિવસમાં જ હવે ચાંદીની આયાતને પણ મુક્ત કેટેગરીમાંથી હવે પ્રતિબંધિત કેટેગરીમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર નોટીફિકેશન થકી આજે સરકારે વિવિધ કેટેગરીની ચાંદીની આયાત પર અંકુશો લાદી દીધા છે. ચાંદીની ઈંટો-બિસ્કિટ કે પાવડર સ્વરૂપ કે પછી ઘડેલી કે ટિપેલી ચાંદીની આયાત માટે પણ સરકારની મંજૂરી ફરજિયાત કરાઈ છે.
ચાંદીની ઈંટો-બિસ્કિટ, ઘડેલી-ટિપેલી કે પાવડર સ્વરૂપમાં આયાત માટે સરકારની મંજૂરી ફરજિયાત કરાઈ
સુધારેલા નિયમો હેઠળ, ચાંદીના બાર, બિન-કાપેલી ચાંદી અને અર્ધ-ઉત્પાદિત ચાંદીની આયાત, જેમાં પાવડર સ્વરૂપમાં ચાંદીનો પણ સમાવેશ થાય છે, હવે ફરજિયાત સરકારી મંજૂરીની જરૂર પડશે. ચાંદીના આયાતની કેટલીક શ્રેણીઓ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમોને આધીન કરવામાં આવી છે.
દેશમાં કિંમતી ધાતુઓની આયાત પર દેખરેખ કડક બનાવવા અને દેશના વધતાં આયાત બિલને રોકવા માટે સરકારના વ્યાપક પ્રયાસો વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ, કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પરની આયાત ડયુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરી હતી. આ દરમિયાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) યોજના હેઠળ રત્નો અને ઝવેરાત નિકાસકારો દ્વારા ડયુટી-ફ્રી સોનાની આયાત માટેના ધોરણો પણ કડક કર્યા હતા. સુધારેલા માળખા હેઠળ, એએ હેઠળ સોનાની આયાત પ્રતિ લાઈસન્સ ૧૦૦ કિલો સુધી મર્યાદિત રહેશે.
હવે અગાઉના લાઈસન્સ હેઠળ ઓછામાં ઓછા ૫૦ ટકા નિકાસ જવાબદારી પૂર્ણ કર્યા બાદ જ નવા ઓથોરાઈઝેશન-અધિકૃતતા જારી કરવામાં આવશે. વધુમાં, ડયુટી-ફ્રી સોનાની આયાત કરતાં નિકાસકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો દ્વારા પ્રમાણિત, આયાત અને નિકાસ વ્યવહારોની વિગતો આપતાં, પખવાડિક રિપોર્ટ સબમિટ કરવાના રહેશે.










