![]()
– સ્પીકરને ઘેરવાના પ્રયાસ બદલ ભાજપના 18 ધારાસભ્ય છ મહિના માટે સસ્પેન્ડ
– કોંગ્રેસ કર્ણાટકમાં કોન્ટ્રાક્ટ જેહાદ ચલાવી રહી છે, અમે કોઇ પણ સંજોગોમાં આ અનામત નહીં ચલાવીએ : ભાજપ
બેંગલુરુ : કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવામાં આવી છે, જે માટેના સુધારા બિલને આખરે વિધાનસભામાં મંજૂરી મળી ગઇ હતી. જોકે સરકારના આ નિર્ણયને લઇને વિપક્ષ ભાજપ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ સ્પીકરની ચેરને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે તેમને માર્શલો દ્વારા ટિંગાટોળી કરીને વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સપ્તાહ પહેલા જ કર્ણાટક ટ્રાન્સરંસી ઇન પબ્લિક પ્રોક્યુર્મેન્ટ્સ એક્ટમાં સુધારાને રાજ્ય સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ આ બિલને વિધાનસભામાં રજુ કરાયું હતું જેને આખરે આ શુક્રવારે પસાર કરી દેવામાં આવ્યું હતું. આ સુધારા મુજબ રાજ્યોના મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવામાં આવી છે. હાલમાં કર્ણાટકમાં સિવિક કામોમાં એસસી-એસટી માટે ૨૪ ટકા જ્યારે ઓબીસી કોન્ટ્રાક્ટર્સને કેટેગરી એકમાં ચાર ટકા, કેટેગરી ૨એમાં ૧૫ ટકા અનામત અપાય છે. હવે કેટેગરી ૨-બી બનાવાઇ છે તેમાં મુસ્લિમ ઓબીસીનો સમાવેશ કરવાની માગ થઇ રહી હતી. અંતે આ માગણીનો સ્વીકાર કરીને સરકારે મુસ્લિમોને અનામત આપી છે.
આ નિર્ણયનો ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે મુસ્લિમોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવી ગેરબંધારણીય છે. અને તેનો તમામ તરફથી વિરોધ કરવામાં આવશે. ભાજપના ધારાસભ્યો પોતાની જગ્યા પરથી ઉભા થઇને સ્પીકર તરફ ધસી ગયા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. જેને પગલે સ્પીકર યુ ટી ખાદરે માર્શલ બોલાવીને તેમને બહાર કઢાવ્યા હતા. બાદમાં વિધાનસભાના અધ્યક્ષ સાથે ગેરવર્તન બદલ ભાજપના ૧૮ ધારાસભ્યોને વિધાનસભામાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો છે કે જે પક્ષ બિનસાંપ્રદાયિક્તાની વાતો કરે છે તે જ હવે ધર્મ આધારિત અનામત લાવ્યો છે. જેને કોર્ટમાં પડકારવામાં આવશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટકમાં કોન્ટ્રાક્ટ જેહાદ ચલાવી રહી છે. રાહુલ ગાંધી પોતાનું રાજકારણ ચમકાવવા રાજ્ય સરકાર પર આ અનામત માટે દબાણ કરી રહ્યા હતા.










