Mahant Yati Narsinghanand Giri Controversy: ગાઝિયાબાદ જિલ્લાના ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. યતિ નરસિંહાનંદ ગિરી વિરુદ્ધ નફરત ફેલાવવા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના આરોપ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.
ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ
ગાઝિયાબાદના વેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પ્રમાણે ડાસના દેવી મંદિરના પૂજારી પર ‘મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો અને ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો, ગુનાહિત ધમકી આપવાનો, અપમાન કરવાનો, બદનામ કરવાનો અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના ઈરાદાથી શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.’
પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી
ફરિયાદીએ એ પણ આરોપ લગાવ્યો છે કે, ‘નરસિંહાનંદે એક વીડિયોમાં ગાઝિયાબાદ પોલીસ કમિશનર અને લોનીના સહાયક પોલીસ કમિશનર વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.’
આ પણ વાંચો: પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ગ્રામીણ) સુરેન્દ્ર નાથ તિવારીએ કહ્યું કે, ‘શુક્રવારે વેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે નરસિંહાનંદના નિવેદનો ઉશ્કેરણીજનક હતા અને તેનો હેતુ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો હતો.’ અધિકારીએ જણાવ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે.
કોણ છે મહંત યતિ નરસિંહાનંદ ગિરી?
તમને જણાવી દઈએ કે, મહંત યતિ નરસિંહાનંદ ગિરી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં ડાસના સ્થિત શિવ શક્તિ ધામ (દેવી મંદિર) ના મુખ્ય પૂજારી છે. તેઓ જુના અખાડાના મહામંડલેશ્વર પણ છે. તેમનું મૂળ નામ દીપક ત્યાગી હોવાનું કહેવાય છે. તેઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના વતની છે. યતિ નરસિંહાનંદ મોટે ભાગે પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ગતિવિધિઓના કારણે ચર્ચામાં રહે છે.