અમદાવાદ,શુક્રવાર
યુ.કે, કેનેડા અને અન્ય દેશોના વિઝાના વર્ક પરમીશનના નામે ઠગાઇ કરતા એજન્ટ ગઠિયાઓ વિઝાના બનાવટી દસ્તાવેજો અને એર ટિકિટ આપતા હોય છે. પરંતુ, નડિયાદમાં રહેતા બે એજન્ટોએ અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં રહેતા વ્યક્તિઓને યુ.કેના વિઝા અને નોકરીના સપના બતાવીને યુ. કે હોમ ડીપાર્ટમેન્ટનું બનાવટી ક્લીયરન્સ પ્રમાણપત્ર આપી દીધું હતું. આ અંગે નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ નવરંગપુરામાં એક ટ્રાવેલ્સ એજન્ટે નેપાળ ટુરના નાણાં પરત નહી આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા.
નારોલ રાણીપુરમાં રહેતા અમન દેસાઇ નામના યુવકને નોકરી કરવા માટે યુ.કેમાં સેટલ થવાનું હોવાથી તેણે નડિયાદમાં ઉતરસંડા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં આઇકોનીક ઓવરસીઝ નામની ઓફિસ ધરાવતા દેવાંગ પટેલ અને દેવમ પટેલનો સપંર્ક કર્યો હતો. બંને એજન્ટોએ તેને યુ.કેમાં વિઝા આપવાનું કહીને ૧૦ લાખની ફી નક્કી કરીને પ્રોસેસ કરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. જેમાં તેને યુનિવર્સિટી ઓફ ગ્રીનવિચમાં અભ્યાસની સાથે નોકરી મળી જશે. તેવી ખાતરી આપીને તેને પેપર આપ્યા હતા. પરંતુ, લાંબો સમય પસાર થઇ ગયા બાદ પણ કોઇ કાર્યવાહી ન કરતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંને એજન્ટોએ તેમની ઓફિસ બંધ કરી દીધી હતી .
તેમણે અમન અન્ય લોકોને બનાવટી દસ્તાવેજ આપ્યા હતા અને એટલું જ નહી યુ કે હોમ ડિપાર્ટમેન્ટ ક્લીયરન્સનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને વિઝા, સ્ટડી અને જોબના નામે અનેક યુવકો પાસેથી લાખોની રકમ પડાવી હતી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. અન્ય બનાવમાં મીઠાખળી અંડરપાસ પાસેના આકાશ એવન્યુમાં ઓફિસ ધરાવતા આશિક પટેલ અને અવધ પટેલે છપૈયા, નેપાળ ટુર બુક કરી હતી. પરંતુ, નેપાળમાં થયેલા તોફાન થતા ગ્રાહકોએ ટુરના નાણાં પરત માંગ્યા હતા. જો કે બંનેએ લાખો રૂપિયા પરત નહી કરીને છેતરપિંડી આચરી હતી.










