![]()
Surat News: સુરત શહેરમાં દેહવ્યાપાર અને બાળમજૂરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પાંડેસરા વિસ્તારમાં ચાલતા એક કુટણખાના પર દરોડો પાડી દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ત્રણ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી, જ્યારે બાળમજૂરી કરાવતા બે સગીર બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બાતમીના આધારે ગોઠવાઈ કાર્યવાહી
સુરત શહેર પોલીસ કમિશનર તથા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ AHTU સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગીલ અને તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાં વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ગેરકાયદે રીતે દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. આરોપીઓ ગ્રાહકો પાસેથી રકમ વસૂલી મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલી આર્થિક લાભ મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
મહિલાઓનું શોષણ, બાળકો પાસે કરાવાતી હતી મજૂરી
પોલીસના જણાવ્યાનુસાર, આર્થિક રીતે નબળી મહિલાઓનો લાભ ઉઠાવી તેમની પાસેથી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. વધુમાં, સ્થળ પર બે સગીર બાળકો પણ મળી આવ્યા હતા, જેઓ પાસેથી બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે બંને બાળકોને તાત્કાલિક સુરક્ષિત કસ્ટડીમાં લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે 66,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે મુખ્ય સંચાલકો અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ સ્થળ પરથી ફરાર મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વિવિધ કાયદા હેઠળ ગુનો નોંધાયો
આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ, 1956ની વિવિધ કલમો તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રેસ્ક્યુ કરાયેલા બંને સગીર બાળકોને સુરક્ષા અને સંભાળ માટે કતારગામ સ્થિત વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમને સોંપવામાં આવ્યા છે. જ્યારે મુક્ત કરાયેલી મહિલાઓને પણ જરૂરી કાઉન્સેલિંગ અને સુરક્ષા માટે સંબંધિત સંસ્થાઓની મદદથી સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે ‘શહેરમાં દેહવ્યાપાર, માનવ તસ્કરી અને બાળમજૂરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ વિશેષ ડ્રાઇવ ચાલુ રહેશે.’










