![]()
સુરત મહાનગરપાલિકાની શાળામાં હાલમાં આશરે બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડાયેલા રાખવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એક વિદ્યાર્થી પાછળ સરેરાશ 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હોવા છતાં શહેરમાં 13,500થી વધુ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. આ આંકડો માત્ર એક સરકારી નોંધ નથી, પરંતુ હજારો બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા હોવાની ગંભીર ચેતવણી છે. આ પહેલા મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓના ઘરે જઈ વાલીઓને સમજાવ્યા હતા તેમાં થોડી સફળતા મળી હતી. હવે આ જવાબાદરી શિક્ષકો નિભાવી રહ્યાં છે પરંતુ બાળકોને શાળાએ પાછા લાવવા માટે સ્થળાંતર અને મજૂરી સૌથી મોટો અવરોધ આવી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2030માં 100 ટકા સાક્ષરતા નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. જેમાં હવે શાળાના વર્ગખંડ માં જે બાળકો વેકેશન પુરુ થયું છતાં આવતા નથી તેવા બાળકોને ઘરે ઘરે શિક્ષક જઈ રહ્યાં છે. સર્વે દરમિયાન સૌથી મોટી મુશ્કેલી સ્થળાંતરની સામે આવી રહી છે. વેકેશન દરમિયાન પોતાના વતનમાં ગયેલા ઘણા પરપ્રાંતિય પરિવારો હજુ સુધી સુરત પરત ફર્યા નથી. કેટલાક પરિવારો રોજગારી માટે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. અનેક કિસ્સાઓમાં વાલીઓ દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર બંધ મળી રહ્યા છે. પરિણામે વિદ્યાર્થીઓનો સંપર્ક જ તૂટી ગયો છે અને શિક્ષકો માટે તેઓ ક્યાં છે તેની માહિતી મેળવવી મુશ્કેલ બની રહી છે.જેથી ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં લાવવાના પ્રયાસો માં સ્થળાંતર સૌથી મોટો અવરોધ બની રહ્યું છે.
સ્થળાંતર પછી સૌથી ગંભીર કારણ આર્થિક સંકટ છે. ગરીબ અને શ્રમિક પરિવારો માટે બે સમયનું ભોજન અને રોજિંદા ખર્ચની વ્યવસ્થા જ મોટો પડકાર હોય છે. આવી સ્થિતિમાં બાળકોનું શિક્ષણ પાછળ ધકેલાઈ જાય છે અને પરિવારની આવક વધારવી વધુ મહત્વની બની જાય છે. પરિણામે અનેક બાળકો નાની ઉંમરે જ મજૂરી કે અન્ય કામોમાં જોડાઈ જાય છે. કોઈ લારી પર મદદ કરે છે, કોઈ દુકાનમાં કામ કરે છે તો કોઈ નાના-મોટા ધંધા સાથે સંકળાઈ જાય છે. આવા બાળકોને ફરી શાળામાં લાવવું શિક્ષકો માટે અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. શિક્ષકોનો આ પ્રયાસ ઘણી જગ્યાએ સફળ થતો જોવા મળે છે અને કેટલાક વાલી- વિદ્યાર્થીઓ માની જાય છે અને ફરી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. પરંતુ બીજી તરફ કેટલાક વાલીઓ પોતાના બાળકો ઘર કામ કે આજીવિકાના કામમાં મદદરૂપ થાય તેવું માની રહ્યાં હોવાથી શાળાએ મોકલવા માંગતા નથી.
કેટલાક પરિવારોમા ઘરકંકાસ અને પારિવારિક વિખવાદ પણ બાળકોના શિક્ષણ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. માતા-પિતાના છૂટાછેડા અથવા અલગ રહેવાની પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ સૌથી પહેલા અસરગ્રસ્ત બને છે. ઘણી વખત બાળકો માતા અથવા પિતા સાથે અન્ય સ્થળે જતો રહે છે પરંતુ નવી શાળામાં પ્રવેશ લેતો નથી. પરિણામે બાળક ધીમે-ધીમે શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર થઈ જાય છે.
સુરત જેવા વિકસિત અને ઔદ્યોગિક શહેરમાં હજારો બાળકો શાળા ને બદલે કામના સ્થળે જોવા મળી રહ્યા છે અને હજારો વિદ્યાર્થીઓ સ્થળાંતરને કારણે શિક્ષણ વ્યવસ્થા માંથી ગાયબ થઈ રહ્યા છે. શિક્ષણ પર કરોડો રૂપિયાનો ખર્ચ છતાં જો બાળકો વર્ગખંડ સુધી પહોંચી શકતા નથી તો તે માત્ર શિક્ષણ તંત્ર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે.










