લક્ષદ્વીપ પાસે ઈરાની બોટ ‘આઝાદ’માંથી રૂ. 3000 કરોડનું 526 કિલો ડ્રગ્સ ઝડપાયું, 5 પાકિસ્તાની પકડાયા
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડ અને કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લક્ષદ્વીપ નજીક ઊંડા સમુદ્રમાંથી ‘આઝાદ’ નામની ઈરાની બોટ ઝડપી પાડી છે. આ બોટમાંથી અંદાજે 526 કિલોગ્રામથી વધુ માદક પદાર્થો (400 કિલો મેથામ્ફેટામાઇન અને 126 કિલો હેરોઇન) જપ્ત કરી 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં એક નાઇજીરિયન શખ્સે મીટિંગ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગ્લર હાજી સલીમના સિન્ડિકેટ પાસેથી આ જથ્થો મંગાવ્યો હોવાની માહિતી મળતાં, એટીએસ અને કોસ્ટગાર્ડે કેરળના કોચીથી મિડ-સી જોઈન્ટ ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે અમદાવાદ ખાતે એક નાઇજીરિયન શખ્સે મધ્યસ્થી મારફતે ડ્રગ્સની હેરાફેરી માટે ગુપ્ત બેઠક યોજી હતી. આ મીટિંગમાં ઈરાનની ‘આઝાદ’ બોટ મારફતે 500 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન અને હેરોઇન મંગાવવાનું નક્કી થયું હતું. માલ પેટે એડવાન્સ રકમ હવાલા મારફતે મોકલી દેવાઈ હતી અને બાકીની રકમ ડિલિવરી બાદ ચૂકવવાની શરત હતી.
આ કન્સાઇનમેન્ટ કુખ્યાત ડ્રગ સ્મગ્લર હાજી સલીમ અને ભારતના વોન્ટેડ આરોપીઓએ મોકલવાનું આયોજન કર્યું હતું. યોજના મુજબ, લક્ષદ્વીપ અને કોચી નજીક દરિયામાં આ જથ્થો તમિલનાડુની બોટમાં ટ્રાન્સફર કરવાનો હતો અને ત્યારબાદ તમિલનાડુના કાંઠે ઉતારી વાહનો મારફતે ટુકડે-ટુકડે પંજાબમાં નાઇજીરિયન શખ્સ સુધી પહોંચાડવાનું ષડયંત્ર હતું.
બાતમી મળતાં જ ગુજરાત એટીએસ દ્વારા ભારતીય કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર (દિલ્હી) સાથે સંકલન સાધીને જોઈન્ટ ટીમ તૈયાર કરાઈ હતી. તા. 14 સપ્ટેમ્બરથી કોસ્ટગાર્ડની શીપ સાથે દરિયામાં શંકાસ્પદ બોટોનું સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. ત્યારબાદ 25 સપ્ટેમ્બરની સાંજે લક્ષદ્વીપથી આશરે 160 નોટિકલ માઇલ નોર્થ-વેસ્ટ અને મુંબઈથી આશરે 490 નોટિકલ માઇલ સાઉથ-વેસ્ટ દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટ ‘આઝાદ’ આંતરી લેવામાં આવી હતી. બોટને કોસ્ટગાર્ડ દ્વારા મુંબઈ જેટી ખાતે લાવીને તપાસ કરતાં તેમાંથી 526 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
બોટમાંથી પાકિસ્તાનના પેશાવરના રહેવાસી પાંચ ક્રૂ મેમ્બર્સ મોહમ્મદ યાકુબ બલૂચી, શકીરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વાહિદુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ‘આઝાદ’ બોટ ઈરાનના કોનારક પોર્ટ પરથી રવાના થઈ હતી અને પાકિસ્તાનના ગ્વાદર પાસેથી નીકળતી વખતે ત્યાંથી આવેલી એક નાની બોટમાંથી આ ડ્રગ્સ લોડ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં એટીએસ અને અન્ય એજન્સીઓની સતર્કતાને કારણે સ્મગ્લરો હવે ગુજરાત કાંઠો છોડીને દક્ષિણ ભારતના દરિયાઈ માર્ગે ડિલિવરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બોક્ષ:સેટેલાઇટ સ્ટારલિન્ક ડિવાઇસ વાપરી દરિયામાં કમ્યુનિકેશન કરતા હતા
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ટ્રેકિંગ અને મોબાઇલ નેટવર્કની મર્યાદાથી બચવા આધુનિક તકનીકનો સહારો લઈ રહ્યા હતા. બોટનો ટંડેલ સ્ટારલિન્ક સેટેલાઇટ ડિવાઇસનો ઉપયોગ કરતો હતો, જેના દ્વારા તેઓ મધદરિયે સેટેલાઇટ ઇન્ટરનેટ મેળવીને હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં રહેતા હતા. ટેકનિકલ અવરોધો વચ્ચે પણ સુરક્ષા એજન્સીઓએ સચોટ ઇનપુટના આધારે આ ઓપરેશન સફળ બનાવ્યું હતું.








