૫,૦૦૦થી વધુ ગૌવંશ અને ૨,૦૦૦થી વધુ વાછરડાં માટે પાણીનો પ્રશ્ન ઊભો થયાનો દાવો; કનેક્શન પૂર્વવત નહીં થાય તો મામલતદાર અને કલેક્ટર કચેરીએ મૃત વાછરડાં પહોંચાડવાની ચીમકી
વલભીપુર તાલુકાના રામપર ગામે આવેલા સર્વેકવર ગૌધામ મહાતીર્થ ખાતે પાણીનું કનેક્શન તંત્ર દ્વારા ગેરકાયદેસર ગણાવી કાપી નાખવામાં આવતાં ગૌસેવકો અને સંત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગૌધામમાં ૫,૦૦૦થી વધુ ગૌવંશ અને ૨,૦૦૦થી વધુ નાના વાછરડાંની સેવા કરવામાં આવતી હોવાના કારણે પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો હોવાનો ગૌધામના સંચાલક જયદેવશરણદાસ બાપુએ દાવો કર્યો છે.
ગૌધામના સંચાલક જયદેવશરણદાસ બાપુએ વીડિયો મારફતે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અબોલ ગૌવંશ અને નંદી-વાછરડાંને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે ઘણા સમય પહેલાં પાણીના કનેક્શનની માંગણી કરવામાં આવી હતી.
તેમ છતાં તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવતાં ગૌધામમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. બાપુએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘ગૌસન્માન’ કાર્યક્રમમાં ગૌમાતાના હિતમાં પોતાનો અવાજ ઉઠાવ્યા બાદ રાજકીય કિન્નાખોરી રાખીને ગૌસેવાનું કાર્ય કરતા સંતને હેરાન કરવામાં આવી રહ્યા છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે લાંચ-રૂશ્વત નહીં આપતા હોવાથી તેમને પરેશાન કરવામાં આવે છે. સ્થાનિક રાજકીય આગેવાનો અને ઉચ્ચ નેતાઓને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. મામલતદાર અને કલેક્ટર કચેરીએ મૃત વાછરડાં પહોંચાડવાની ચીમકી જયદેવશરણદાસ બાપુએ તંત્રને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો તાત્કાલિક ગૌધામનું પાણીનું કનેક્શન પૂર્વવત કરવામાં નહીં આવે અને પાણીના અભાવે એક પણ વાછરડાનું મૃત્યુ થશે તો તમામ મૃત વાછરડાંને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતે પહોંચાડવામાં આવશે.
આ સમગ્ર મામલે ગૌધામના સંચાલકે સમસ્ત સનાતન સમાજ, સંતો-મહંતો અને ગૌપ્રેમીઓને અબોલ ગૌવંશના હિતમાં આગળ આવી અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હવે આ ગંભીર મુદ્દે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે અને ગૌધામની પાણીની સમસ્યાનો ક્યારે ઉકેલ આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા








