Sharad Pawar On Money Laundering Act: નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે યુપીએ સરકારને મની લોન્ડરિંગ કાયદાનો સંભવિત દુરૂપયોગ થવાની પહેલાંથી જ અગમચેતી આપી હોવાનો મોટો ખુલાસો કર્યો છે. શરદ પવારની આ ચેતવણીને યુપીએ સરકારે નજરઅંદાજ કરી હતી. જેનો આજે વર્તમાન સરકાર દ્વારા મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો હોવાનો દાવો પણ પવારે કર્યો છે.
શરદ પવારે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતના પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’ (નરક મેં સ્વર્ગ)ના વિમોચન પર આ નિવેદન આપ્યું હતું કે, વર્તમાન ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આ કાયદાનો ઉપયોગ કરી વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ બનાવ્યા છે. મેં યુપીએ સરકારને આ કાયદાનો દુરૂપયોગ થવાની ચેતવણી આપી હતી.
મનમોહન સિંહને ચેતવ્યા હતાઃ પવાર
પવારે જણાવ્યું કે, તે સમયે હું યુપીએ સરકારમાં મંત્રી હતો. ત્યારે તે સમયના નાણા મંત્રી પી. ચિદમ્બરમ પીએમએલએમાં સંશોધનનો પ્રસ્તાવ લાવ્યા હતાં. મેં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની મુલાકાત કરી તેમને ચેતવ્યા હતાં કે, આ કાયદાનો ભવિષ્યમાં દુરૂપયોગ થઈ શકે છે.
આ પણ વાંચોઃ શું આ રીતે ભણશે ગુજરાત? 8 વર્ષમાં 525 સરકારી શાળાઓને ખંભાતી તાળા વાગ્યા
ભાજપ સરકારે કર્યો દુરૂપયોગ
શરદ પવારે આરોપ લગાવ્યો કે, 2014 બાદ ભાજપ સરકારે આ કાયદાનો આધાર લઈ ચિદમ્બરમ સહિત અનેક વિપક્ષના નેતાઓને ખોટા કેસમાં જેલ મોકલ્યા. સંજય રાઉત અને અનિલ દેશમુખ પણ આ કાયદાનો ભોગ બન્યા હતાં.
યુપીએ સરકારે ચાર્જશીટ કરી પણ કેસ નહીં
પવારે આગળ જણાવ્યું કે, યુપીએના કાર્યકાળમાં નવ નેતાઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હતી. પરંતુ કોઈની ધરપકડ થઈ ન હતી. એનડીએ સરકારના શાસનમાં અત્યારસુધી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, આરજેડી, ટીએમસી સહિત અન્ય રાજકીય પક્ષોના 19 નેતાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
રાઉતે પુસ્તકમાં જેલનો અનુભવ લખ્યો
સંજય રાઉતે પોતાના આ પુસ્તકમાં 101 દિવસનો કારાવાસનો અનુભવ લખ્યો છે. આ પુસ્તકની ગીતકાર જાવેદ અખ્તરે પ્રશંસા કરતાં કહ્યું છે કે, તેઓ જેલની આકરી સજા સામે પણ ઝૂક્યા નહીં. જ્યારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કેન્દ્ર સરકારની તાનાશાહી નીતિઓએ ભારત જેવા સ્વર્ગને નરક બનાવી દીધુ છે.