મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ મહિના એટલે કે એપ્રિલમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૮ ટકા વધી રૂપિયા ૧.૮૪ ટ્રિલિયન રહ્યો છે. જો કે માર્ચની સરખામણીએ ખર્ચમાં ૮.૭૦ ટકા ઘટાડો નોંધાયો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. માર્ચમાં ખર્ચનો આંક રૂપિયા ૨.૦૧ ટ્રિલિયન રહ્યો હતો. જે ચાર મહિનાની ઊંચી સપાટીએ હતો.
ઉપભોગ માગમાં વધારાને જોતા ક્રેડિટ કાર્ડ મારફતનો ખર્ચ વર્તમાન નાણાં વર્ષમાં સ્થિર રહેવાની બેન્કરો અપેક્ષા રાખી રહ્યા છે.
ગત મહિને ક્રેડિટ કાર્ડ જારી કરવાની સંખ્યા વાર્ષિક ધોરણે ૭.૬૭ ટકા વધી ૧૧.૦૪ કરોડ પર પહોંચી હતી. એપ્રિલમાં કુલ ૫૫૧૩૧૫ નવા કાર્ડસ જારી કરાયા હતા.
અનસિકયોર્ડ રિટેલ પોર્ટફોલિઓ પરની તાણને ધ્યાનમાં રાખી મોટાભાગની બેન્કો ક્રેડિટ કાર્ડ જારી કરવામાં સાવચેતી ધરાવી રહી છે.
નવા ક્રેડિટ કાર્ડસ જારી કરવા માટેના ધોરણોને સખત બનાવાયા છે જેને કારણે તાજેતરના મહિનાઓથી કાર્ડસનો નેટ ઉમેરો મંદ પડયો છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.