મુંબઈ : તમામ ઈક્વિટી ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટોની એક્સપાયરી માટે સપ્તાહમાં બે દિવસો મંગળવાર અથવા ગુરૂવાર રાખી શકાશે. મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ આ મર્યાદા નિર્ધારિત કરી છે. સેબીએ એક સર્કયુલરમાં જણાવ્યું છે કે, મલ્ટિ એક્સચેન્જ ફ્રેમવર્કમાં સપ્તાહમાં આ પગલાનો ઉદ્દેશ એક્સપાયરીના દિવસોમાં હાયપર-એક્ટિવિટીને રોકવા અને બજારમાં કોન્સન્ટ્રેશન જોખમ ઘટાડવાનો છે.
માર્ચ મહિનામાં એક્સાપયીરના દિવસોમાં એક્સચેન્જ દ્વારા વારંવાર સ્વિચ કરવાના કિસ્સાઓ બાદ સેબીએ આ ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો હતો. નિયમનકાર માને છે કે, પૂરા અઠવાડિયામાં એક્સાપરીના દિવસોનું અંતર રાખવાથી સ્ટોક એક્સચેન્જને બજારના પાર્ટિસિપન્ટ્સ-સહભાગીઓને પ્રોડ્ક્ટસમાં ભિન્નતા પ્રદાન કરવાની તક મળશે.
સેબીએ એક જારી કરેલા સર્કયુલર મુજબ દરેક એક્સચેન્જને તેમના પસંદ કરેલા દિવસે (મંગળવાર અથવા ગુરૂવાર) એક સાપ્તાહિક બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. જો કે એક્સચેન્જોએ હવે તેમના ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટના સેટલમેનેટ દિવસમાં ફેરફાર કરવા માટે નિયમનકાર પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે.
સેબીએ શેર બજારોને ૧૫, જૂન સુધીમાં તેમના પ્રસ્તાવો રજૂ કરવા જણાવ્યું છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસ સિવાય, અન્ય તમામ ઈક્વિટી ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસનો સમયગાળો ઓછામાં ઓછો એક મહિનાનો રહેશે, જેની એક્સાપરી-સમાપ્તિ દર મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક્સચેન્જ દ્વારા પસંદ કરાયેલા દિવસે થશે. સેબીના પ્રસ્તાવના જવાબમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ શરૂઆતમાં એક્સાપરી દિવસ સોમવાર સુધી ખસેડવાની યોજનાને મોકૂફ રાખી હતી. અલબત એક્સચેન્જે હવે સેબી પાસેથી એક્સાપયરી મંગળવારે ખસેડવાની મંજૂરી માંગી છે.
હાલમાં એનએસઈ કોન્ટ્રેક્ટ ગુરૂવારે સમાપ્ત-એક્સપાયર થાય છે, જ્યારે બીએસઈ કોન્ટ્રાક્ટ મંગળવારે એક્સપાયર થાય છે. જો સેબી એનએસઈનો એક્સપાયરી તારીખ મંગળવાર સુધી ખસેડવાની મંજૂરી આપે છે, તો બીએસઈ માટે બજાર હિસ્સો જાળવી રાખવાનું પડકારજનક બની શકે છે. કેશ માર્કેટ અને ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં વોલ્યુમમાં ઘટાડાના કારણે નાણા વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકમાં ટ્રાન્ઝેકશન ચાર્જમાંથી એનએસઈની આવકમાં ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૧૫ ટકાનો ઘટાડો થયો છે.