Ayodhya Ram Mandir Flag Hoisting Muhurat: સદીઓથી જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા એ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા ગત 22 જાન્યુઆરી 2024ના રોજ થઈ હતી. આ પછી ગત 5 જૂનના રોજ મંદિરના બીજા માળે રામ દરબારમાં ભગવાનના વિગ્રહની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે, ત્યારે આગામી 25 નવેમ્બર 2025ના રોજ મુખ્ય શિખર પર વિધિવત રીતે ધ્વજારોહણ કરાશે. જેના 12 મિનિટનું અભિજિતનું સૂક્ષ્મ મૂહુર્તમાં મૂળ થરાદમાં અને અમદાવાદ રહેતા 22 વર્ષીય જ્યોતિષ વિશ્વ વોરાનું મહત્ત્વનું યોગદાન છે. ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલે તેમની સાથે ખાસ વાતચીત કરીને અભિજિતના સૂક્ષ્મ મૂહુર્તની વિશેષતા, ધ્વજારોહણ વિધિ અને તેની વિશેષતાનું માહાત્મ્ય શું છે તે જાણ્યું હતું.
જેને અમે અહીં શબ્દશઃ રજૂ કરીએ છીએ.
મહત્ત્વનું છે કે, રામ મંદિર ખાતે આગામી 25 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો હાજર રહેશે. 23, 24 અને 25ના રોજ ત્રિદિવસીય અનુષ્ઠાન થશે. આ પછી ધ્વજારોહણ કરવામાં આવશે.
રામ મંદિરના શિખરે ઓમ સહિત શાસ્ત્રોક્ત ચિહ્નવાળી કેસરી રંગની ધજા ફરકાવાશે
ભગવાન રામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠાના આટલા સમય પછી કેમ હવે ધ્વજારોહણ વિધિ કરવામાં આવી રહી છે તેના વિશે જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, ‘આગામી 25 નવેમ્બર 2025ના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય ધ્વજારોહણ વિધિ થશે. આ ઐતિહાસિક પ્રસંગમાં 23, 24 અને 25ના રોજ ત્રિદિવસીય અનુષ્ઠાન થશે. જેમાં પારંપરિક યજ્ઞ વિધિ સહિત જે ધજાનું પૂજન થશે. રામ મંદિરના શિખર પરના સ્તંભ પર જે ઘજા લહેરાશે તે શૌર્યના પ્રતિક એવા કેસરિયા રંગની હશે.’
જેમાં ઓમ સહિત અન્ય શાસ્ત્રોક્ત ચિહ્નો મૂકવામાં આવ્યા છે. આ ધજા પેરાશૂટ ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે. જેથી ધજા ચારેય દિશામાં લહેરાતી રહેશે. આ અનુષ્ઠાન માટે અનેક મંત્રો અને પારંપરિક વિધાનો સહિત જ્યારે ધ્વજારોહણ થશે ત્યારે એ શુભ મૂહુર્તમાં આ વિધિ અનુષ્ઠાન જે 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ હતી એની પૂર્ણાહૂતિનો ઘોષ એટલે કે પ્રતિક કહેવાશે.
![]() |
| જ્યોતિષ વિશ્વ વોરા |
12 મિનિટના અભિજિતના સૂક્ષ્મ મૂહુર્તમાં ધ્વજારોહણ કરાશે
રામ મંદિરના શિખરે ધ્વજારોહણ માટે મૂહુર્ત અને 25 નવેમ્બરનો જ દિવસ કેમ નક્કી કરાયો તેના વિશે જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, આ 25 નવેમ્બર 2025ના રોજ માગશર સુદ પાંચમ, મંગળવારે અમૃત યોગ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ અને શુભ છે. આ દિવસ નક્કી કરવાનું મુખ્ય કારણ એ છે કે, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પ્રભુ શ્રીરામ અને માતા સીતાના વિવાહનો દિવસ વર્ણવ્યો છે એટલે આ દિવસ વિવાહ પંચમી તરીકે પણ શુભ અવસર છે.
આ દિવસે ધ્વજારોહણ માટેના ગ્રહો પણ અનૂકુળ મળે છે. તેથી આ દિવસ નક્કી કર્યો છે. આ દિવસે પારંપરિક વિધાનો સહિત મધ્યાનહનનું અભિજિત મુહર્ત ખૂબ જ શ્રેષ્ઠ અને લાભદાયક માનવામાં છે તે બપોરે 11 વાગ્યે 31 મિનિટથી 12 વાગ્યે 13 મિનિટ સુધી છે. આ અભિજિત મૂહુર્તની અંદર પણ સૂક્ષ્મ લગ્ન નવમાંશના આધારે ધ્વજારોહણની વિધિ સંપન્ન થશે. આ નવમાંશનો 12 મિનિટનો સૂક્ષ્મ સમય છે. આ મુહૂર્તમાં મકર લગ્ન છે. જેમાં ગ્રહો ખાડામાં નથી. દરેક ગ્રહો સાનૂકુળ છે. ગુરુ પણ ઉચ્ચ સ્થિતનો છે. જે ક્રૂર ગ્રહો છે તે અપચય સ્થાનમાં રહીને શુભ બની રહ્યા છે. ચંદ્ર પણ લગ્નમાં કેન્દ્રમાં છે.
પ્રભુ શ્રીરામની જન્મ રાશિ કર્ક રાશિ અને ભારતની જન્મ રાશિ (એટલે કે આઝાદ થયા તે) કર્ક રાશિ મુજબ તે મકર લગ્ન સમસપ્તક યોગ બનાવે છે. ત્યારે કર્ક રાશિમાં ઈષ્ટ દિવસ મકર લગ્નની અંદર આ દિવસના શુભ સંયોગે અભિજિત મૂહુર્તમાં દ્વિસ્વભાવ નવમાંશની અંદર વિવાહ પંચમીના શુભ દિવસે આ ધ્વજારોહણની વિધિ સંપન્ન થશે.
ચાર મહિના પહેલાં નક્કી થયું હતું ધ્વજારોહણનું મૂહુર્ત
વર્ષ 2023ના રોજ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્નારા મૂહુર્ત માટે સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં અમે સાત લોકો છીએ. 22 જાન્યુઆરી 2024એ પ્રભુ શ્રીરામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાનું મૂહુર્ત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના શપથ વિધિ સહિત મોટા કાર્યમાં આ કમિટીનો ભાગ છે. જેનો હું એક અભિન્ન અંગ છું. આ ધ્વજારોહણનું મૂહુર્ત પણ અમે એ જ પરિબળોથી જેમ કે, સૂક્ષ્મ મૂહુર્ત, સંયોગ, મંદિર, રાષ્ટ્ર અને આવનારા સમયમાં વધુમાં વધુ કઈ રીતે પ્રગતિ મળી શકે તે મુજબનો અભ્યાસ કરીને આ મૂહુર્ત આપવામાં આવ્યું છે. આ મૂહુર્ત ચાર મહિના પહેલા નક્કી થયું હતું એ પછી તેના માટે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. આ વખતે પારંપરિક વિધાનો સાથે આધુનિક ટેક્નિક્સ પણ સાંકળવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણાં લોકોને પ્રશ્ન છે કે, શિખર પર તો ધ્વજારોહણ હવે થશે, પણ આ પહેલાં પ્રતિષ્ઠા કેવી રીતે કરી અને પ્રતિષ્ઠાના આટલા સમય પછી ધ્વજારોહણ થઈ શકે કે નહીં તો એનો શિલ્પશાસ્ત્રના પ્રમાણે જવાબ જોઈએ તો ધ્વજા એ મસ્તક છે એટલે કે ચોટી છે. એટલે સંપૂર્ણ મંદિર અને ગર્ભગૃહનું કામ પૂરું થઈ ગયું અને સારા મૂહુર્તનો સંયોગ મળ્યો તો પ્રાણ પ્રતિષ્ઠા વખતે અવો સંયોગ હતો કે, જ્યારે ઈન્દ્ર દેવ ઈન્દ્રાસન પર બેઠા હતા ત્યારે પ્રભુ શ્રીરામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ હતી. હવે આ વિવાહ પંચમીના શુભ અવસર ફરી આવ્યો છે અને એ સમયે ધ્વજારોહણ થશે. આ ઉપરાંત ઈતિહાસમાં ઘણાં ધ્વજારોહણ, ધ્વજ સ્તંભ સ્થાપના અને પ્રતિષ્ઠાના વિધાન મળે છે તેને કનેક્ટ કરીને આ 25 નવેમ્બરના રોજ વિધિવત શાસ્ત્રોક્ત રીતે ધ્વજારોહણ થશે.











