![]()
Impact of AI on Jobs : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ઝડપથી થઈ રહેલા વિકાસના કારણે આગામી થોડા વર્ષોમાં રોજગાર જગતમાં મોટા ફેરફારો આવી શકે એવી સંભાવના પ્રબળ છે. AI નિષ્ણાત ડૉ. રોમન યામ્પોલ્સ્કીનું કહેવું છે કે જો ‘આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ’ (AGI) ઝડપથી વિકસે તો વિશ્વની 99% નોકરીઓમાંથી માણસોની બાદબાકી થઈ જશે, ફક્ત 5 ક્ષેત્રોમાં જ માણસોની નોકરી સલામત રહેશે. તેમના મત મુજબ, મશીનો માનવ કરતાં વધુ બુદ્ધિશાળી બની જતાં કામ કરવાની પદ્ધતિ સમૂળગી બદલાઈ જશે.
AI નિષ્ણાતે આપી વિશ્વવ્યાપી બેરોજગારીની ચેતવણી
યુરોપિયન દેશ લાતવિયામાં જન્મેલા કમ્પ્યુટર વિજ્ઞાની અને લુઇવિલે યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રોમન યામ્પોલ્સ્કીએ ‘ધ ડાયરી ઓફ અ CEO’ પોડકાસ્ટમાં કહ્યું છે કે, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI)નું આગમન વર્ષ 2027ની શરૂઆતમાં થઈ શકે છે. એ આવશે તો આગામી પાંચ વર્ષમાં વિશ્વની 99% નોકરીઓ ખાઈ જશે. AI ક્ષેત્રે 100 થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કરનારા ડૉ. યામ્પોલ્સ્કીએ કહ્યું છે કે, લગભગ એવો કોઈ વ્યવસાય નથી જેમાં AGI નો પગપેસારો નહીં થાય. AGI હાલના AI કરતાં ક્યાંય વધુ ઝડપી અને કાર્યક્ષમ હશે.
AGI શું છે અને તે AIથી કેવી રીતે અલગ છે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી ટેકનોલોજી છે જે ચોક્કસ કામ, જેમ કે ભાષાનો અનુવાદ, ચહેરાની ઓળખ અથવા ડેટા વિશ્લેષણ માટે બનાવાય છે અને તે એક જ ક્ષેત્રમાં કાર્યક્ષમ હોય છે, જ્યારે કે AGI એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ માનવ જેવી સર્વાંગી બુદ્ધિ ધરાવતી સિસ્ટમ છે, જે વિવિધ વિષયો શીખી શકે છે, નવી સ્થિતિઓમાં સ્વતંત્ર રીતે વિચાર કરીને નિર્ણયો લઈ શકે છે અને અનેક પ્રકારના કામ માનવ જેટલી કે વધુ ક્ષમતાથી કરી શકે છે.
ટૂંકમાં, AGI એ AIનું જ અત્યાધુનિક રૂપ છે, પણ તે ફક્ત કોઈ ચોક્કસ કાર્ય નહીં કરે, બલકે માનવમગજની જેમ ‘વિચારીને’ અનેક પ્રકારના બુદ્ધિ આધારિત કામો કરી શકશે.
AGI સૌથી પહેલાં આ નોકરીઓ ખાઈ જશે
– નિષ્ણાતોના મતે AGI આવતાં કમ્પ્યુટર આધારિત અને ડિજિટલ નોકરીઓ સૌથી પહેલાં પ્રભાવિત થશે.
– ત્યાર પછી ઓટોમેશન ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને શારીરિક શ્રમ આધારિત કામો પણ AGI મશીનો સંભાળી લેશે.
– મીડિયા પ્રોડક્શન, કન્ટેન્ટ ક્રિએશન અને પોડકાસ્ટિંગ જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ AGI માણસોને પાછળ છોડી દેશે, કારણ કે મશીનો વધુ ઝડપથી, વધુ ચોકસાઈ સાથે વિશાળ માત્રામાં ડેટાની ઍક્સેસ સાથે કામ કરી શકે છે.
– ડેટા વિશ્લેષણ, લખાણ, ડિઝાઇન, કોડિંગ, મેનેજમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં મશીનો માણસો કરતાં ઝડપથી અને વધુ ચોકસાઈથી કામ કરી શકશે, જેના કારણે નિષ્ણાતો માને છે કે નોકરી-બજારમાં મોટું પરિવર્તન આવશે. આગામી દાયકામાં બધાં ક્ષેત્રોમાં મોટાભાગના કામ મશીનો જ કરતા હશે.
આ પણ વાંચોઃ યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ
બેરોજગારીનો વૈશ્વિક પડકાર સર્જાશે
જો મોટા પ્રમાણમાં ઓટોમેશન થાય તો રોજગારના નવા મોડલ વિશે વિચારવું જરૂરી બની જશે. કેટલાક નિષ્ણાતો માને છે કે વિશ્વભરની સરકારોએ નવી આર્થિક નીતિઓ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને આવક આધારિત સહાય યોજનાઓ પર ધ્યાન આપવું પડશે. ભવિષ્યમાં ઉત્પાદન વધે પરંતુ પરંપરાગત નોકરીઓ ઘટે એવી સંભાવના હોવાથી ‘યુનિવર્સલ બેઝિક ઇન્કમ’ (UBI) જેવી કલ્પનાઓ પણ ચર્ચામાં આવી રહી છે. UBI એટલે સરકાર દ્વારા દેશના દરેક નાગરિકને તેની આવક કે નોકરીની પરવા કર્યા વગર જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે નિયમિત રીતે નિશ્ચિત નાણાકીય સહાય આપવામાં આવે તેવી વ્યવસ્થા.
કયા 5 ક્ષેત્રોમાં નોકરી સલામત રહેશે?
AGIના આગમન બાબતે ડૉ. યામ્પોલ્સ્કીએ કહે છે કે, AGI આવ્યા પછી પણ 5 ક્ષેત્રો એવા છે જેમાં માણસોની નોકરી સલામત રહેશે. આ ક્ષેત્રો નીચે મુજબ છે.
1. વ્યક્તિગત સેવા આધારિત કામ : શ્રીમંતો માટે વ્યક્તિગત સલાહકાર, સહાયક અથવા ખાનગી સેવા આપનાર માણસોની માંગ ચાલુ રહી શકે છે, કારણ કે ઘણા શ્રીમંતો AI સંચાલિત વિકલ્પો કરતાં માનવીય સંપર્કને વધુ મહત્ત્વ આપી શકે છે.
2. લાગણી અને માનવ સંબંધ આધારિત વ્યવસાય : ભાવનાત્મક અથવા વ્યક્તિગત સ્પર્શની જરૂર હોય તેવી નોકરીઓ પણ સલામત રહેવાની શક્યતા છે. માનસિક આરોગ્ય સલાહકાર, કાઉન્સેલિંગ, થેરાપી અથવા વિશ્વાસ આધારિત સેવામાં માનવીય સહાનુભૂતિ મહત્ત્વપૂર્ણ હોવાથી આ ક્ષેત્રમાં માણસોની જરૂર રહેશે.
3. AI દેખરેખ અને નિયમન નિષ્ણાત : AI સિસ્ટમની સુરક્ષા, નૈતિકતા અને નિયંત્રણ માટે નિષ્ણાતોની માંગ વધવાની શક્યતા છે, કારણ કે ટેકનોલોજીનો જવાબદારી પૂર્વકનો ઉપયોગ જરૂરી બનશે.
4. AI મધ્યસ્થી અને અમલીકરણ નિષ્ણાત : એવા નિષ્ણાતોની માંગ રહેશે જે સંસ્થાઓને AI ટેકનોલોજી અપનાવવા અને યોગ્ય રીતે ઉપયોગ કરવા માટેની સમજણ આપી શકે.
5. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ અને વિશિષ્ટ AI સંચાલન : આગામી વર્ષોમાં AI સિસ્ટમને અસરકારક રીતે ચલાવવા અને વિશિષ્ટ કાર્ય માટે કસ્ટમાઇઝ કરવા નિષ્ણાતોની માંગ રહી શકે છે. જો કે ટેકનોલોજી વધુ સ્વચાલિત બનતાં આ ભૂમિકાઓનું સ્વરૂપ બદલાઈ શકે છે.
AGI ની વર્તમાન સ્થિતિ શું છે?
હાલ AGI વિકાસના પ્રારંભિક સંશોધન તબક્કામાં છે. હાલના અત્યાધુનિક AI મોડેલ્સ ભાષા સમજવા, સમસ્યા ઉકેલવા અને વિવિધ કાર્ય કરવા સક્ષમ છે ખરા, પરંતુ તેઓ હજી પણ માનવ જેવી સર્વાંગી સમજ, સ્વતંત્ર તર્કશક્તિ અને દરેક નવી સ્થિતિમાં સ્વયં શીખવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવતા નથી. વિશ્વભરની સંશોધન સંસ્થાઓ અને ટેક કંપનીઓ AGI તરફ આગળ વધી રહી છે, પરંતુ નિષ્ણાતોના મત મુજબ સક્ષમ AGI હાંસલ થવામાં હજુ કેટલાંક વર્ષોથી લઈને દાયકાઓ સુધીનો સમય લાગી શકે છે.
એટલે એવું કહી શકાય કે, ડૉ. રોમન યામ્પોલ્સ્કીએ આપેલી ચેતવણી 2027 સુધીમાં સાચી પડી જ જશે, એમ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી.
ખેર, AGIનું ભવિષ્ય હજુ અનિશ્ચિત છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કામ કરવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. ટેકનોલોજી સાથે માનવ કૌશલ્યને સંકલિત કરીને, નવી તકો સર્જવી અને બદલાતા સમય સાથે અનુકૂલન સાધવું સમાજ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પડકાર બની શકે એમ છે.










