![]()
મુંબઈ : દેશમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના માત્ર બે જ દર માળખા ભારત સરકારની દરખાસ્તને આખરી રૂપ આપવા જીએસટી કાઉન્સિલની સપ્ટેમ્બર ૩-૪ના મળી રહેલી બેઠક પર દેશના ઓનલાઈન રિટેલરોની નજર રહેલી છે. સામાન્ય રીતે મોટા ઓનલાઈન રિટેલરો દશેરા-દિવાળીના તહેવારો દરમિયાન જંગી ડિસ્કઉન્ટ સાથે ફેસ્ટિવ સેલ્સનું આયોજન કરતા હોય છે.
દશેરા-દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને ફ્લિપકાર્ટ તથા એમેઝોન જેવા મોટા ઓનલાઈન રિટેલરો માટે પોતાની ફેસ્ટિવ સેલ્સની યોજના અગાઉથી જ તૈયાર કરવામાં અવઢવની સ્થિતિ નિર્માણ થઈ છે.
વર્તમાન વર્ષે નવરાત્રીનો તહેવાર ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને જીએસટી કાઉન્સિલની મીટિંગ તેના ૧૮ દિવસ પહેલા મળી રહી છે. કાઉન્સિલની બેઠકમાં જ્યાંંસુધી દર અંગે સ્થિતિ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી અમારે ફેસ્ટિવ સેલ્સની યોજના તૈયાર કરવાનું આ વર્ષે મુશકેલ બની ગયું છે, એમ એક ઓનલાઈન રિટેલના સેલ્સ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. જીએસટીના દર ઘટાડવાના નિર્ણય લેવાયા બાદ તેનો કયારથી અમલ કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે.
જીએસટીના ચાર દરમાંથી સરકાર હવે પાંચ ટકા અને અઢાર ટકાના બે જ દર રાખવા દરખાસ્ત ધરાવે છે.
મોટા ઓનલાઈન રિટેલરોની વાર્ષિક આવકમાંથી અંદાજે ૨૫ ટકા આવક દશેરા-દિવાળીના તહેવારોમાં થઈ જતી હોવાનો અંદાજ છે. જીએસટીના દર કયારથી લાગુ થવાની શકયતા છે તેનો અંદાજ મેળવવા મોટા રિટેલરો સરકારના સંપર્કમાં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ઈ-કોમર્સના સંચાલકો જ નહીં પરંતુ આવા પ્લેટફોર્મ પરથી માલસામાનની ખરીદી કરતા રિટેલ ગ્રાહકો પણ હાલમાં વિમાસણમાં જણાઈ રહ્યા છે અને કાઉન્સિલની બેઠક સુધી ખરીદી ટાળી રહ્યા છે.
જે માલસામાન પર ૧૨ ટકા જીએસટી વસૂલવામાં આવે છે તેમાંના ૯૫ ટકા માલસામાન પાંચ ટકાના સ્લેબમાં અને જેના પર ૨૮ ટકા જીએસટી લાગુ થાય છે તેમાંની૯૭થી૯૮ ટકા ચીજવસ્તુ જીએસટી માળખાના ૧૮ ટકાના દરમાં આવી જવા શકયતા છે.
મલ્ટિપ્લેક્સ ટિકિટો માટે જીએસટી પાંચ ટકા સુધી ઘટાડવા રજુઆત
મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સિનેમા ટિકિટો માટે જીએસટીને તર્કસંગત બનાવવાની હિમાયત કરી રહ્યું છે જેથી પરવડે તેવી ક્ષમતામાં સુધારો થાય અને પ્રેક્ષકોની સંખ્યામાં વધારો થાય. આ એસોસિએશન સરકારને ૩૦૦ રૃપિયા સુધીની ટિકિટો માટે ટેક્સને સરળ બનાવવા અને ૫% સુધી ઘટાડવાનો આગ્રહ કરી રહ્યું છે. ૨૦૧૮માં સુધારેલા હાલના કર શાસન મુજબ, ૧૦૦ રૃપિયા સુધીની ફિલ્મ ટિકિટો પર ૧૨% જીએસટી છે અને ૧૦૦ રૃપિયાથી વધુ કિંમતની ટિકિટો પર ૧૮% જીએસટી છે. વર્તમાન શાસન મલ્ટિપ્લેક્સ વ્યવસાય માટે ખાસ કરીને ફુગાવાના દબાણને કારણે અનુકૂળ નથી. ભારત હજુ પણ એક ઓછો સ્ક્રીનિંગ ધરાવતો દેશ છે જ્યાં પ્રતિ મિલિયન સરેરાશ આઠ સ્ક્રીન છે અને તે ખાસ કરીને ટાયર-૨ અને ૩ શહેરોમાં પાછળ છે. ૩૦૦ રૃપિયા કે તેથી ઓછી કિંમતની ટિકિટ પર ૫%ના જીએસટી દરથી પ્રેક્ષકોની સંખ્યામાં વધારો થશે, નોકરીઓનું રક્ષણ થશે અને આપણા દેશમાં થિયેટર જવાની આદત પુનઃસ્થાપિત થશે.










