![]()
IndiGo Flight Crisis: ઇન્ડિગોનો વિવાદની આગ હજુ ઠરી નથી કારણ કે સંસદીય સમિતિએ ઇન્ડિગો ફ્લાઇટ કટોકટી અંગે એરલાઇન અને DGCA અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સંસદીય સમિતિ ઇન્ડિગોના જવાબોથી સંતુષ્ટ નથી. DGCA અને ઇન્ડિગોના અધિકારીઓ સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા, પરંતુ તેમણે સમિતિના ગોળગોળ જવાબો આપ્યા હતા. જેથી સમિતિએ તેમને 15 દિવસમાં ફરીથી હાજર થવાનો નિર્દેશ કર્યો છે.
સમગ્ર બનાવ બાદ તપાસ માટે સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. ઇન્ડિગો તરફથી COO નેતૃત્વ હેઠળના અધિકારીઓની એક ટીમ આ સમિતિ સમક્ષ હાજર થઈ હતી તો DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું પ્રતિનિધિત્વ સચિવ સમીર કુમાર સિંહાએ કર્યું હતું. એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્પાઇસજેટ અને આકાશાના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ઇન્ડિગોએ 2 ડિસેમ્બરથી ઘણા દિવસો માટે દેશભરમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી. મહત્વનું છે કે 6-7 દિવસના ઉહાપોહ બાદ હવે એરપોર્ટ પર ઇન્ડિગોની એક પણ ફ્લાઈટ કેન્સલ નથી.
JDU સાંસદ સંજય ઝા સમિતિના અધ્યક્ષ
JDU સાંસદ સંજય ઝાની આગેવાની હેઠળની પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ અંગેની સંસદીય સ્થાયી સમિતિ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી, ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થવાને કારણે એરપોર્ટ પર થયેલી અરાજકતા માટે જવાબદારી નક્કી કરતા પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના તપાસ અહેવાલની રાહ જોવાનું સંસદીય સ્થાયી સમિતિએ નક્કી કર્યું છે.
15 દિવસ પછી ફરીથી હાજર થાઓ
સૂત્ર મુજબ બેઠકમાં કેટલાક સભ્યોએ પૂછ્યું હતું કે શું સુધારેલા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમો લાગુ થયા પછી મંત્રાલય આવી પરિસ્થિતિને સંભાળવા માટે તૈયાર હતું? શું ઇન્ડિગોએ પાઇલટની નવી ડ્યુટી વ્યવસ્થામાંથી મુક્તિ મેળવવા આ સ્થિતિ ઊભી કરી દબાણ ઊભું કર્યું? ઇન્ડિગો અને DGCA ના પ્રતિનિધિઓએ બંને સવાલોનો સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી સમિતિએ તેમને 15 દિવસ પછી ફરીથી હાજર થવાનો કહ્યું હતું.
ઇન્ડિગો અને DGCAની ટીકા
મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માંગવાને બદલે, બંનેએ હવામાન અને અન્ય તકનીકી સમસ્યાઓ પર દોષ ઢોળવાનો પ્રયાસ કર્યો. સમિતિએ કાર્યવાહી માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા રચાયેલી ચાર સભ્યોની સમિતિના રિપોર્ટની રાહ જોવાનું નક્કી કર્યું છે જે 28 ડિસેમ્બર સુધીમાં સોંપાઈ જાય તેવી અપેક્ષા છે. આ સંસદીય સમિતિની બેઠકમાં ઈન્ડિગોના COO, DGCA અને પાયલોટ યુનિયનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. સમિતિની બેઠક દરમિયાન, સભ્યોએ ફ્લાઇટ રદ થવાથી હજારો મુસાફરોને થયેલી અસુવિધા માટે ઇન્ડિગો અને DGCAની ટીકા કરી હતી. સભ્યોએ એ પણ ધ્યાન દોર્યું હતું કે સંસદ સત્ર માટે દિલ્હીમાં રહેલા ધારાસભ્યોને પણ ઇન્ડિગો ફ્લાઇટ રદ થવા અને અન્ય એરલાઇન્સ દ્વારા વિલંબ થવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સભ્યોએ એ પણ પૂછ્યું કે…
ઇન્ડિગોએ DGCAને ક્યારે જાણ કરી કે તે નવા પાઇલટ ડ્યુટી નિયમો લાગુ કરી શકશે નહીં અને DGCAએ મંત્રાલયને ક્યારે આ વિશે જાણ કરી?, ફ્લાઇટ રદ કરવા અને સામાન અંગે એરલાઇન અને મુસાફરો વચ્ચે વાતચીતનો અભાવ કેમ જોવા મળ્યો?, ઘણા સભ્યોએ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હવાઈ ભાડામાં વધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિતી
સંસદીય સમિતિએ સરકારને 2 સૂચનો કર્યા
સમિતિએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનું પુનરાવર્તન ન થવું જોઈએ. તેણે DGCA અને એરલાઇન્સના કામકાજ પર કડક અને સતત દેખરેખ રાખવાની ભલામણ કરી દીધી છે. સમિતિએ સરકારને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) વિષય પર આંતરરાષ્ટ્રીય નિષ્ણાતને સામેલ કરવાનું અને કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા FDTL સંબંધિત આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ ધોરણોનો અભ્યાસ કરવાનું સૂચન પણ કર્યું છે.










