![]()
October financial changes: આજથી ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે ઘણાં નાણાકીય અને બિન-નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે. આ મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)થી લઈને રેલવે ટિકિટ બુકિંગ સુધીના ફેરફારોનો સમાવેશ થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આ સાથે આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 16 રૂપિયા સુધીનો ભાવ વધારો થઇ ગયો છે.
NPCI પુલ ટ્રાન્ઝેક્શન બંધ કરશે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જેવા UPI પ્લેટફોર્મ પર પર્સન-ટુ-પર્સન (P2P) કલેક્ટ રિક્વેસ્ટ અથવા પુલ ટ્રાન્ઝેક્શન સુવિધા બંધ કરશે. આનો અર્થ એ છે કે તમે હવે કોઈની પાસેથી પૈસાની વિનંતી કરી શકશો નહીં. આ પગલું યુઝર સુરક્ષા વધારવા અને ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે છે.
ઈક્વિટી-લિંક્ડ સ્કીમ્સમાં 100 ટકા રોકાણ
બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સ હવે મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક (MSF) હેઠળ ઈક્વિટી-લિંક્ડ સ્કીમ્સમાં તેમની પેન્શન સંપત્તિના 100 ટકા સુધીનું રોકાણ કરી શકશે. અગાઉ આ મર્યાદા 75 ટકા હતી. PRAN (કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર) ખોલવા અને જાળવવા માટેની ફીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે, e-PRAN કીટની કિંમત 18 રૂપિયા અને ભૌતિક PRAN કાર્ડની કિંમત 40 રૂપિયા હશે. ખાનગી અને સરકારી ક્ષેત્રના NPS સબ્સ્ક્રાઇબર્સ માટે ફી અલગ અલગ હશે.
આ પણ વાંચો: એર અરેબિયાની 10 લાખ સીટ માટે અર્લી બર્ડ પ્રમોશનલ ઓફર, રૂપિયા 6,038થી શરૂ
ફક્ત આધાર-ચકાસાયેલ યૂઝર્સ જ આરક્ષિત ટિકિટ બુક કરાવી શકશે
પહેલી ઓક્ટોબરથી ઓનલાઈન રિઝર્વેશન વિન્ડો ખુલ્યા પછી પ્રથમ 15 મિનિટ માટે ફક્ત આધાર-ચકાસાયેલ યુઝર્સ જ આરક્ષિત ટિકિટ બુક કરાવી શકશે. આ નિયમનો દુરુપયોગ અટકાવવા અને બુકિંગને સુવ્યવસ્થિત કરવા માટે જાહેર કરવામાં આવ્યો છે.
ઓનલાઈન ગેમિંગ નિયમો બદલાશે
પારદર્શિતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં પહેલી ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ નિયમો પણ બદલાશે. આમાં વય મર્યાદા અને લાઈસન્સિંગ આવશ્યકતાઓ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે.
પીએનબીમાં લોકર રાખવાનું મોંઘુ થશે
જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્ક (PNB) પહેલી ઓક્ટોબરથી તેના લોકર અને અન્ય સેવાઓ માટે ફીમાં વધારો કરશે. આનાથી બેન્કમાં લોકર રાખવાનું મોંઘુ થશે. નોંધણી ફી પણ વધશે.
સ્પીડ પોસ્ટ મોકલવાનો ખર્ચ વધુ થશે
પહેલી ઓક્ટોબરથી પોસ્ટલ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ મોકલવાનો ખર્ચ વધુ થશે. કારણ કે વિભાગ આ સેવા માટે ફી વધારી રહ્યું છે. વધુમાં સ્પીડ પોસ્ટને OTP-આધારિત ડિલિવરી સિસ્ટમ સાથે સંકલિત કરવામાં આવશે. આનો અર્થ એ છે કે પ્રાપ્તકર્તાની ચકાસણી થયા પછી જ સ્પીડ પોસ્ટ પહોંચાડવામાં આવશે.
RBI નવી ચેક ક્લિયરન્સ સુવિધા રજૂ કરશે
ઝડપી ચુકવણી તરફ એક મોટું પગલું ભરતા આરબીઆઈ ચોથી ઓક્ટોબરથી સતત ચેક ક્લિયરિંગ સુવિધા શરૂ કરશે. અહેવાલો અનુસાર, આ સુવિધા બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પહેલો તબક્કો ચોથી ઓક્ટોબરથી બીજી જાન્યુઆરી 2026 સુધી ચાલશે. બીજો તબક્કો 3 જાન્યુઆરી 2026થી શરૂ થશે.
બેન્કો 21 દિવસ બંધ રહેશે
ઓક્ટોબરમાં બેન્કો 21 દિવસ બંધ રહેશે, જેમાં દશેરા, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોનો સમાવેશ થાય છે. જોકે, આ રજાઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ હશે. તેથી લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની બેંકિંગ પ્રવૃત્તિઓનું આયોજન તે મુજબ કરે.










