![]()
– અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ નહીં આપે તો
– મંગળવારે પશુપાલકોના હિતમાં ચૂંટણીમાં ઝંપલાવવાનું કહેનારા ગોવિંદભાઈ પરમાર હવે પક્ષનું હિત આગળ ધરી ચૂંટણી નહીં લડે
આણંદ : અમૂલ ડેરીની ૧૨ બેઠકો માટે તા. ૧૦મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ભાજપ મેન્ડેટ નહીં આપે તો અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કર્યાના ૨૪ કલાકમાં જ ફેરવી તોળ્યું છે. આજે પક્ષના હિતને આગળ ધરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે મંગળવારે પત્રકાર પરિષદમાં પશુપાલકોના હિતમાં અને અમૂલમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા ભાજપ મેન્ડેટ નહીં આપે તો પણ અપક્ષમાં ફોર્મ ભરશે તેવી જાહેરાત કરી હતી. અમૂલની ચૂંટણી કોઈ પક્ષની નથી સહકાર ક્ષેત્રની ચૂંટણી હોવાથી પશુપાલકોના હિતમાં તા. ૨૮મીએ ચૂંટણીનું ફોર્મ ભરશે તેમ કહ્યું હતું. મોવડી મંડળની મધ્યસ્થીથી ગણતરીના કલાકોમાં જ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે નમતું જોખ્યું હતું. બુધવારે પક્ષનું હિત આગળ રાખી ઉમેદવારી નહીં નોંધાવવાની જાહેરાત કરી છે. અમૂલના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની વાત કરતા ભાજપના ધારાસભ્ય એક જ રાતમાં એવું તે શું બન્યું કે પક્ષના હિત માટે ચૂંટણી નહીં લડે તેવું કહી રહ્યા છે તેવા સવાલો પશુપાલકો કરી રહ્યા છે.
અમૂલની ચૂંટણી માટે આણંદ બેઠક માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાંતિભાઈ સોઢા પરમારના નામનું ગઈકાલ મોડી રાતે મેન્ડેટ જાહેર કરાયું હતું. ત્યારે હાલના ઉમેદવાર કોંગ્રેસમાંથી આવ્યા છે અને અઢી વર્ષ દરમિયાન તેઓના રાજમાં અમૂલમાં નોકરી તથા કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયા છે. તેવું કહેનારા ઉમરેઠના ધારાસભ્ય જ તેમને સપોર્ટ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
કાંતિભાઈ સોઢા પરમાર વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર ગોવિંદભાઇ જ હવે ટેકો આપશે
ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે મંગળવારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હાલના ઉમેદવાર કોંગ્રેસમાંથી આવ્યા છે અને અઢી વર્ષ દરમિયાન તેઓના રાજમાં અમૂલમાં નોકરી તથા કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયા છે. ભાજપ દ્વારા આણંદ બેઠક માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા કાંતિભાઈ સોઢા પરમારના નામનો મેન્ડેડ જાહેર કરાયો છે. ત્યારે હવે જે ઉમેદવાર માટે ઉમરેઠના ધારાસભ્યએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો તેને જ ટેકો આપશે તે પ્રશ્ન પશુપાલકોમાં ચર્ચાઈ રહ્યો છે.
ગોવિંદભાઈ પરમાર જે ભ્રષ્ટાચારની વાત કરે છે તે અઢી વર્ષ પહેલાની : અમૂલ ચૂંટણી પ્રભારી
અમૂલના પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, અમૂલમાં નોકરી માટે રૂા. ૩૦ લાખ લેવાતા હોવા સાથે કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવા અંગે ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર જે વાત કરે છે તે અઢી વર્ષ પહેલાની છે.










