![]()
Ahmedabad Liquor Seizure: અમદાવાદ ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) સોમવારે (11મી ઓગસ્ટ) સનાથલ ટોલ ટેક્સ પ્લાઝા નજીક અમદાવાદ ગ્રામીણ પોલીસની હદમાં બે દિવસથી પાર્ક કરેલા એક ટ્રકમાંથી 53.95 લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ઝડપી લીધો હતો. આ કાર્યવાહી કર્યા પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ વિસ્તારને શહેર અને ગ્રામીણ પોલીસની હદ વચ્ચેનો ‘ગ્રે ઝોન’ ગણાવ્યો હતો, જેના કારણે પોલીસના હદની વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે.
દારૂનો જથ્થો દમણથી આવ્યો હતો
ઝોન-7 એલસીબીના અધિકારીઓને બાતમી મળી હતી કે, એસ.પી. રિંગ રોડ પરના એક પાર્કિંગ પ્લોટમાં એક શંકાસ્પદ કન્ટેઇનર ટ્રક પાર્ક કરાયેલી છે. ત્યારે એલસીબીએ આ ટ્રકને શોધીને તેમાં તપાસ કરતા પોલીસને 750 અને 180 મિ.લી.ની 25,465 દારૂની બોટલો મળી હતી. આ બધો જ દારૂ દમણથી લવાયો હતો. પોલીસનું માનવું છે કે, આ ટ્રકનો ઉપયોગ દારૂની દાણચોરી માટે જ કરાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં ધોળા દિવસે ચોરી કરતો આરોપી ઝડપાયોઃ 9 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ
મહેસાણા સાથે જોડાયેલા છે ટ્રકના તાર
ઝોન-7 એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર વાય.પી. જાડેજાએ જણાવ્યું કે, ‘સનાથલ ટોલ ટેક્સ પ્લાઝા નજીક આ ટ્રક છેલ્લા બે દિવસથી પાર્ક હતી. આ ટ્રકના તાર મહેસાણા સાથે જોડાયેલા છે. હાલ ડ્રાઈવર ફરાર છે. તેની શોધખોળ શરૂ કરાઈ છે.’
પોલીસની હદનો વિવાદ ફરી ચર્ચામાં
સનાથલ ટોલ ટેક્સ પ્લાઝા નજીકનું આ સ્થળ અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં હતું. હાલમાં જ વિવિધ અધિકાર ક્ષેત્રની પુનઃફાળવણી કરાઈ, ત્યારે આ વિસ્તાર ચાંગોદર પોલીસ સ્ટેશન હેઠળ લવાયો હતો. આ સ્થિતિમાં છેલ્લા બે દિવસ સુધી આ ટ્રક એમ જ પડી રહી હોવાથી સ્થાનિક પોલીસની સામે સવાલ ઊભા થયા છે. આ કેસમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે.










