![]()
અમદાવાદ,સોમવાર,27
ઓકટોબર,2025
અમદાવાદમાં વર્ષ-૨૦૧૨ પછી પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા વૃક્ષ ગણતરીની કામગીરી સાર્સ ઈન્ડિયા નામની એજન્સી પાસે કરાવવામા આવી રહી
છે. અત્યાર સુધીમા વૃક્ષ ગણતરીને લઈ કરવામા આવેલી કામગીરીની સામે આવેલી વિગત મુજબ
નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ ૧.૮૦ લાખ વૃક્ષ મળી આવ્યા છે. દરિયાપુર વોર્ડમાં સૌથી
ઓછા ૬૫૧ વૃક્ષ મળી આવ્યા છે. વૃક્ષ ગણતરીની કામગીરી પુરી થયા પછી કયા વોર્ડમાં
કેટલા વૃક્ષ કેટલા વર્ષ જુના છે,તેની
ઉપયોગીતા શુ છે તે અંગેની વિગત જાહેર કરવામા આવશે. આ વર્ષની વૃક્ષ ગણતરીમાં ૪૭
વોર્ડમાં કુલ ૯.૯૧ લાખ વૃક્ષની ગણતરી પુરી કરાઈ છે. વર્ષ-૨૦૧૨મા શહેરમાં કુલ ૬.૧૮
લાખ વૃક્ષ હતા. એ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા ૪.૬૬ ટકા હતો.
વર્ષ-૨૦૨૫-૨૬માં અમદાવાદમાં ૪૦ લાખ જેટલા રોપાં અને વૃક્ષો
વાવવા પાછળ ૬૯ કરોડ રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
વિવિધ વિસ્તારમાં વાવવામા આવતા રોપા પૈકી
૬૦ ટકા રોપા યોગ્ય માવજત કે પાણી નહીં મળવાના કારણે સુકાઈ જતા હોવાનો તંત્ર દ્વારા
જ સ્વીકાર કરવામા આવ્યો છે. આ વર્ષના આરંભે ફલાવરશોના આરંભની સાથે રાજયના
મુખ્યમંત્રી દ્વારા અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરી શરુ કરાવવામા આવી હતી. એજન્સી
પાસે પુરતા સ્ટાફનો અભાવ તેમજ ચોમાસાની મોસમને લઈ કામગીરી મંથર ગતિથી ચાલતી હોવાથી
એજન્સીને તેની કામગીરીમા વધુ ઝડપ લાવવા વધુ સ્ટાફ મુકવા તાકીદ કરાઈ હતી. દરેક
વૃક્ષને તેના નામ સાથેની વિગત તથા જી.પી.એસ.પધ્ધતિથી કનેકટીવીટી આપવાની પણ જાહેરાત
કરાઈ હતી.તંત્રનો એવો દાવો પણ છે કે એક વખત દરેક વૃક્ષને જી.પી.એસ. પધ્ધતિથી
કનેકટિવીટી અપાયા પછી કોઈ જો પરવાનગી વગર વૃક્ષ કાપશે તો પણ તંત્રને ગણતરીની
મિનીટોમા આ અંગેની જાણ થઈ જશે.
શહેરના કયા વોર્ડમાં
કેટલા વૃક્ષ
વોર્ડ વૃક્ષની
સંખ્યા
નવરંગપુરા ૧૮૦૧૩૩
ગોતા ૬૪૦૫૮
થલતેજ ૬૩૦૭૬
નરોડા ૬૧૪૯૭
નિકોલ ૫૪૫૩૬
બોડકદેવ ૪૯૨૯૬
નારણપુરા ૪૫૧૧૩
સાબરમતી ૨૫૨૭૩
જોધપુર ૧૧૨૦૯
અસારવા ૩૪૩૫૭
શાહીબાગ ૧૭૬૯૯
પાલડી ૨૦૨૧૦
વાસણા ૧૦૪૪૭
મણીનગર ૨૮૬૦૫
વસ્ત્રાલ ૨૬૬૦૦
ખોખરા ૨૮૫૩૩
ઓછા વૃક્ષ કયા વોર્ડમાં મળ્યા
વોર્ડ વૃક્ષની
સંખ્યા
દરિયાપુર ૬૫૧
ખાડીયા ૭૮૨
દાણીલીમડા ૯૧૪
કુબેરનગર ૨૦૯
ઈન્દ્રપુરી ૧૦૪૬
ભાઈપુરા ૧૧૨૫
વેજલપુર ૧૧૦૩










