![]()
Ahmedabad News : સાણંદ તાલુકાના નિધ્રાડ ગામમાં પૈતૃક જમીન વિવાદમાં હિંસક અથડામણમાં 25 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે સાણંદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ‘આ ઘટના ખેતીની જમીનની માલિકી અંગે એક જ પરિવારની બે શાખાઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિવાદને કારણે થઈ હતી.’
સાણંદમાં જમીન વિવાદમાં હત્યા, ત્રણ આરોપીની ધરપકડ
પોલીસ FIR અનુસાર, સાણંદના નિધ્રાડ ગામે જમીન વિવાદમાં શનિવારે (11 ઓક્ટોબર) રાત્રે હિંસક ઝઘડામાં દેવ ડાભી નામના યુવક પર છરી અને લાકડી વડે હુમલો કર્યા હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. આ કેસ મામલે પોલીસે આરોપી બિપિન ભીખાજી ડાભી, રોહિત ભીખાજી ડાભી અને દેવાંગ છાનાજી ઠાકોરની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અને પીડિત પરિવાર વચ્ચે નિધ્રાડ ગામમાં પૈતૃક જમીનના ટુકડાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડો હિંસક અથડામણમાં પરિણમ્યો, જેમાં દેવ ડાભીને પેટના ભાગે ગંભીર ઈજા, જ્યારે હરેશ ડાભી અને ધનાજી ડાભીને હાથ અને ખભામાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દેવનું મોત થયું હતું.
આ પણ વાંચો: ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી
અમદાવાદ ગ્રામ્યના જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, ‘ફરિયાદ અને એકત્રિત પુરાવાઓના આધારે, ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જમીન વિવાદ અને ગુના તરફ દોરી જતા સંજોગોની વધુ તપાસ ચાલી રહી છે. અથડામણમાં મામલે ક્રોસ-ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે બંને પક્ષે નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










