![]()
Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે બે દિવસ પહેલાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને એક સગીર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીના પિતાને માર મારવા જેવી નજીવી બાબતની અદાવત રાખીને આ હત્યા નીપજાવવામાં આવી હતી.
યુવકને બાઇક પર બેસાડી નજીકના મેદાનમાં લઈ ગયા
અગાઉ સોલા સિવિલ હોસ્પિટલના ઓપીડી (OPD) ગેટ પાસે એક અજાણ્યો યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેના શરીર પર ઇજાના નિશાન હતા. તબીબોએ તેને મૃત જાહેર કર્યા બાદ, પ્રાથમિક તપાસના આધારે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે કેટલાક લોકો મૃતક યુવકને બાઇક પર બેસાડી નજીકના મેદાનમાં લઈ ગયા હતા. બાઇકના રજીસ્ટ્રેશન નંબર અને શંકાસ્પદોના ચહેરાના આધારે પોલીસને મહત્વની કડીઓ મળી હતી.
મૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી
પોલીસે આ કેસમાં જીતેન્દ્ર રાઠવા, અનિશ પરમાર અને વિશાલ પરમાર (તમામ રહે. સોલા) સહિત એક સગીરની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક યુવકે અગાઉ જીતેન્દ્રના પિતાને માર માર્યો હતો. જેની અદાવત રાખીને આરોપીઓએ યુવકનું અપહરણ કર્યું હતું અને તેને સોલા સિવિલ હોસ્પિટલ નજીકના મેદાનમાં લાવ્યા હતા, જ્યાં તેને ઢોર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, મૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.








