રેપનેટ વેબસાઇટ ઉપર હીરા વેચવા મુકનારા સાથે ઠગાઈ : હીરા મળી ગયા બાદ પેમેન્ટ નહી કરતા તપાસમાં છેતરપિંડી થયાની જાણ થઈ
રેપનેટ ઉપર સુરતની કંપનીઓ અંગે માહિતી મેળવનાર હીરા વેપારી અને વર્ચ્યુઅલ નંબર માટે સીમકાર્ડની વ્યવસ્થા કરનારની ધરપકડ : બંને મૂળ ભાવનગરના
સુરત, : સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા કાપોદ્રાના હીરા વેપારી સહિત છ વેપારીઓ પાસેથી તેમણે રેપનેટ વેબસાઇટ ઉપર વેચવા મુકેલા હીરા ખરીદવા યુએસએની કંપનીના કર્મચારીઓના નામે જુદાજુદા વ્હોટ્સએપ નંબરથી વાત કરી રૂ.4.81 કરોડના હીરા દુબઈ, હોંગકોંગ અને બેંગકોક મંગાવી બાદમાં પેમેન્ટ નહીં કરનાર ભેજાબાજો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ ઇકો સેલને સોંપતા ઇકો સેલે મૂળ ભાવનગરના બે આરોપીઓની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચ અને ઇકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી સાવરકુંડલા જામુડા ગામના વતની અને સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં કલાકુંજ સોસાયટી વીરાજ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.4 માં રહેતા 44 વર્ષીય સંજયભાઈ જાદવભાઈ ગોટી મહિધરપુરા હીરાબજાર શુભમ બિલ્ડીંગ ખાતે નીલકંઠ સોલીટરના નામે હીરાનો વેપાર ભાગીદારીમાં કરે છે.રેપનેટ વેબસાઈટ મારફતે પણ ઓનલાઇન હીરા વેચતા સંજયભાઇએ ગત માર્ચ મહિનામાં રેપનેટ ઉપર હીરા વેચવા મુક્યા હતા.તે અંગે ગત ત્રીજી જૂનના રોજ અમેરિકાના વ્હોટ્સએપ નંબર ઉપરથી આર્સન ઇસાકોએ ચેટીંગ મારફતે ઈન્કવાયરી કર્યા બાદ પોતે યુએસએની કંપની હશન ફિલ્ડ સ્ટેન આઇ.એન.સીના બાયર તરીકે ઓળખ આપી રૂ.81 લાખનો હીરો ખરીદવાનું કહ્યું હતું.સંજયભાઇએ સાત દિવસમાં પેમેન્ટ અંગે વાત કરી ઓળખીતા વેપારીઓમાં આર્સન અંગે ખરાઈ પણ કરાવી હતી.બાદમાં આર્સન ઇસાકોએ હીરો દુબઇ કે હોંગકોંગ મોકલવા કહેતા હીરો સંજયભાઈના દુબઈ રહેતા મિત્ર દીપકભાઈ ગરમોરાની ઓફિસે હોય તે અંગે આર્સન ઇસાકોને જાણ કરી હતી.
આર્સન ઇસાકોએ સંજયભાઈને દુબઈની એક ચલણી નોટનો નંબર મોકલી આ નોટ તેમનો માણસ સમીર મલિક લઈને આવશે તેને હીરો આપવાનો છે તેમ વાત કર્યા બાદ સાતમીના રોજ સમીર મલિક સંજયભાઈના મિત્ર દીપકભાઈને ચલણી નોટ બતાવી હીરો લઇ ગયો હતો.હીરો મળ્યા બાદ આર્સન ઇસાકોએ સાત દિવસ બાદ પેમેન્ટ નહીં કરતા સંજયભાઇએ ઉઘરાણી કરી ત્યારે તેણે 19 મી ના રોજ મેસેજ કર્યો હતો અને બાદમાં તેનો ફોન બંધ આવતો હતો.તેનું વ્હોટ્સએપ પણ બંધ હોય સંજયભાઇએ બજારમાં આર્સન ઇસાકો અંગે વધુ તપાસ કરાવી તો જાણવા મળ્યું હતું કે તેમની જેમ અન્ય પાંચ વેપારીઓ પાસે રેપનેટ મારફતે સંપર્ક કરી યુએસએની કંપનીના બાયર તરીકે ઓળખ આપનારાઓએ કુલ રૂ.4,80,79,800 ના હીરા દુબઈ, હોંગકોંગ અને બેંગકોક મંગાવી પેમેન્ટ નહીં કરી ઠગાઈ કરી છે.આ અંગે સંજયભાઇએ ગતરોજ આર્સન ઇસાકો, ગબી હેકર, નાવીદ અને માઇક રોબના નામથી વાત કરનારરાઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તેની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી.
ઇકો સેલે આ ગુનામાં આજરોજ નીકુંજ ભરતભાઇ આંબલીયા ( ઉ.વ.25, રહે.ઘર નં.24, સંતોષીકૃપા સોસાયટી, બાપા સીતારામ ચોક, ડભોલી ચાર રસ્તા પાસે, કતારગામ, સુરત. મુળ રહે.તરેડ, તા.મહુવા, જી.ભાવનગર ) અને મહિધરપુરા હીરાબજાર સ્થિત એમ.કે.ડાયમંડ ફર્મના માલિક મિતુલકુમાર પ્રેમજીભાઇ ગોટી ( ઉ.વ.31, રહે.ફ્લેટ નં.એ/01/1303, હેવન એન્કલેવ, રીવાન્ટા લકઝરીયસની બાજુમાં, છાપરાભાઠા વરીયાવ રોડ, અમરોલી, સુરત. મૂળ રહે.હડમતીયા, તા.વલ્લભીપુર, જી.ભાવનગર ) ની ધરપકડ કરી હતી.ઠગાઈ માટે જે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે માટેના સીમકાર્ડ અને ડોંગલની વ્યવસ્થા નીકુંજે કરી હતી.જયારે રેપનેટ ઉપર સુરતની કંપનીઓ અંગે માહિતી મિતુલે મેળવી હતી.ઇકો સેલ ઠગાઈના આ ગુનામાં પડદા પાછળ અન્યો હોવાની આશંકા સેવી રહ્યું છે.વધુ તપાસ પીઆઈ જી.એમ.હડિયા કરી રહ્યા છે.

રેપનેટ વેબસાઈટ પરથી સુરતની જે કંપનીઓએ હીરા વેચવા મુક્યા હતા તેની અને અમેરીકાની કંપનીની વિગતો મેળવી ઠગાઈ કરી
સુરત, : ઇકો સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે ભેજાબાજોએ રેપનેટ વેબસાઇટ પરથી સુરતની જે કંપનીઓએ હીરા વેચવા મુકયા હતા તેમના નામ, એડ્રેસ, મોબાઇલ નંબર અને હીરાની વિગતો મેળવી હતી.ત્યાર બાદ તેમણે એકઝીટપીડીયા અને અન્ય જુદીજુદી વેબસાઈટ ઉપરથી હીરાનો વેપાર કરતી અમેરીકન કંપનીઓ અંગે તેમજ તેના હોદ્દેદારો અંગે વિગત મેળવી તેમના ફોટા અને કંપનીના નામનો લોગો મેળવ્યા હતા.ત્યાર બાદ કોઈક એપ દ્વારા વિદેશના વર્ચ્યુઅલ નંબર મેળવી તે નંબર ઉપર વિદેશની હીરાની કંપનીના કર્મચારીના ફોટાવાળું વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવી તેના દ્વારા સંપર્ક કરી હીરા ખરીદ્યા હતા અને હીરા દુબઇ મંગાવી બાદમાં વર્ચ્યુઅલ નંબર બંધ કરી દીધા હતા.
મુંબઈના ચેતન સુથાર અને અનુજ શાહે અન્યો સાથે મળી પાંચ મહિના પહેલા ઠગાઈની યોજના બનાવી હતી
સુરત, : ઇકો સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે અનોખી રીતે કરવામાં આવેલી આ ઠગાઈની યોજના પાંચ મહિના પહેલા બનાવવામાં આવી હતી.તે માટે મુંબઈના ચેતન સુથાર અને અનુજ શાહ સુરત આવ્યા હતા અને નીકુંજ તેમજ મિતુલ તેમજ અન્યોને મળ્યા હતા.યોજનાને અંજામ આપવા ડમી સીમકાર્ડની વ્યવસ્થા કરવાની સાથે એક મકાન પણ ભાડે રાખવામાં આવ્યું હતું.ચેતન અને અનુજે જ સુરતના વેપારીઓને અમરિકન કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી હીરા વિદેશમાં મંગાવી ઠગાઈ કરવાની યોજના સમજાવી હતી.ઇકો સેલની તપાસમાં તેવું જાણવા મળ્યું છે કે ઠગાઇમાં 10 થી વધુ વ્યક્તિ સામેલ છે,તેમને ઝડપી પાડવા મુંબઈ પણ ટીમ રવાના થઇ છે.

મિતુલે હીરાની ડિલિવરી કુરિયરવાળા પાસે લેવડાવી હતી
સુરત, : રેપનેટ ઉપર પોતાનું એકાઉન્ટ ધરાવતા હીરા વેપારી મિતુલે અગાઉ દુબઈમાં વેપાર કર્યો હતો.આથી તેના સંપર્કના લોકો હજુ ત્યાં છે.ઠગાઈની યોજના મુજબ દુબઈમાં હીરાની ડિલિવરી લેવા માટે તેણે પોતાના સંપર્કનો જ ઉપયોગ કરી હીરાની ડિલિવરી કુરિયરવાળા પાસે લેવડાવી હતી.
ઓનલાઇન ધંધામાં ખોટ જતા નીકુંજ મિત્રો સાથે યોજનામાં સામેલ થયો
સુરત, : વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરવા માટેના સીમકાર્ડ અને ડોંગલની વ્યવસ્થા કરનાર નીકુંજ અગાઉ એમેઝોનનો ઓનલાઇન બિઝનેસ કરતો હતો.પણ તેમાં તેને ખોટ જતા તેને પૈસાની જરૂર હતી.આથી મુંબઈથી ચેતન અને અનુજ આવીને મળ્યા અને ઠગાઈની યોજના સમજાવી ત્યારે તે પૈસા મળે તે માટે તેમાં સામેલ થયો હતો.










