![]()
India-US Relations : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખાના નિકાસ પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. આ ધમકી વચ્ચે રાઈસ એક્સપોર્ટ ફેડરેશન (IREF)ના ઉપાધ્યક્ષ દેવ ગર્ગે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકન બજારમાં ભારતીય ચોખાની માંગ હજુ પણ મજબૂત છે. ગર્ગે દાવો કર્યો છે કે, ટેરિફ વધારવાનો બોજ ભારતીય નિકાસકારોને નહીં, પરંતુ આખરે અમેરિકન ગ્રાહકોને જ ભોગવવો પડશે.
ભારતીય ચોખા પર નવા ટેરિફ ઝિંવવાની ટ્રમ્પની ધમકી
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કૃષિ સબસિડી પર ચર્ચા દરમિયાન ભારતીય ચોખા પર નવા ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવે (GTRI) આ ધમકીને રાજકીય ગણાવીને કહ્યું છે કે, આ કોઈ નીતિ નહીં, પણ રાજકારણનો એક ભાગ છે.
બંને દેશો વચ્ચે ચોખાની આયાત-નિકાસ
ટ્રમ્પની ધમકીના જવાબમાં ગર્ગે કહ્યું કે, ‘અમેરિકન બજારના તમામ નિકાસ માંગ આધારિત છે અને ભારતીય ચોખાનો સ્વાદ, બનાવટ અને રંગ ખૂબ જ ખાસ હોવાથી અમેરિકન ચોખા તેનો વિકલ્પ બની શકતા નથી. અમેરિકન બજારમાં ભારતીય ચોખાના નિકાસમાં વધારો થવાનું મુખ્ય કારણ ભારતીય અને દક્ષિણ એશિયાઈ ફૂડની વધતી લોકપ્રિયતા છે. આ કોઈ એહસાન નથી, પરંતુ તે અમેરિકન બજારની આવશ્યકતા છે. અમેરિકન ટેરિફમાં કોઈપણ મોટો વધારો અમેરિકન ગ્રાહકો માટે જ નુકસાનકારક સાબિત થશે અને ભારતીય વેપાર પર તેની બહુ ઓછી અસર જોવા મળશે.’ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ચોખાની નિકાસ નોંધનીય રહી છે.










