![]()
વિરોધ થયો પણ તે મતોને વિરોધપક્ષો બુથ સુધી લાવી શકતા નથી : ભાજપે કુલ મતોના 25-30 ટકા મેળવી 75-80 ટકા બેઠકો કબજે કરી : કોંગ્રેસ શાસનવિરોધી મોજાની રાહમાં લહરનો લાભ લઈ ન શકી
રાજકોટ, : ગુજરાતમાં રસ્તા,ગટર, લાઈટ, પાણીના મુદ્દે શહેરોમાં લોકોના વિરોધ પ્રદર્શન,નારાજગી,ખુદ ભાજપમાં ટિકીટ અપાયા બાદ આંતરિક અસંતોષ-નારાજગી, કરોડોના શંકાસ્પદ કોન્ટ્રાક્ટો ચર્ચામાં આવ્યા, વર્ષોથી એકની એક પાર્ટીની સત્તા છતાં ભાજપે ગુજરાતની તમામ મહાનગરપાલિકા,મોટાભાગની પંચાયતો,નગરપાલિકામાં સત્તા જંગી લીડથી મેળવી છે. દર વખતે મળતી આ જીતનું રહસ્ય છે- જીત માટે જરૂરી મતો,ટાર્ગેટેડ વોટર્સના મત ચૂંટણી પહેલા સુનિશ્ચિત કરવાનું બુથ મેનેજમેન્ટ છે.
મહાનગરપાલિકાની ગત ત્રણ ટર્મની ચૂટણીમાં સરેરાશ મતદાન માંડ 46 ટકા થયું છે. નગરપાલિકામાં અને પંચાયતોમાં મહત્તમ 60-65 ટકા સુધી થાય છે. 50 ટકા મતદાન થાય તો બહુમતિ માટે કૂલ મતદારોના 25-26 ટકા મત પર્યાત થાય. દરેક ક્ષેત્રમાં 100માંથી કમસેકમ 30 ટકા મતદારો ચૂંટણી આવે ત્યારે અચૂક મત આપે તેવું આયોજન પાંચ વર્ષમાં ભાજપમાં થાય છે.
આ મતો બુથ પર નોંધાય છે તેથી દરેક બુથ ઉપર એક એક માણસ રોકીને તે વિસ્તારના કમસેકમ 30 અને મહત્તમ જેટલા શક્ય બને એટલા મતદારો, ઉમેદવાર ભલે બદલાય પક્ષને સમર્પિત રહીને ચૂંટણી આવે ત્યારે મતદાન કરે તે માટે ભાજપ ચૂંટણી પહેલા જ પ્રયાસો કરતું રહ્યું છે. મતદાનના દિવસે આ મતદારો અચૂક મતદાન કરે તે સુનિશ્ચિત કરાય છે. ઉપરાંત મતવિસ્તાર વાઈઝ પક્ષના સભ્યો જ એટલી મોટી સંખ્યામાં નોંધી દેવાય છે કે દરેક ચૂંટણીમાં પક્ષને જ મત આપવા વિચારે. એક કાર્યકર બે-ત્રણ મત લઈ આવે એટલે જંગી બહુમતિ. આને જ બુથ મેનેજમેન્ટ કે બુથ જીતવું કહે છે. આ આયોજનમાં મતદાન કંગાળ હોય ત્યાં પણ ભાજપને બહુમતિ મળી છે, કારણ કે પક્ષને જોઈતા મત તો મળી જ ગયા હોય છે.
બીજી તરફ, કોંગ્રેસની પણ વોટબેન્ક છે પરંતુ, તે 10-12 ટકા જેટલી સીમિત છે. આથી વધુ મતદારોના પ્રશ્નો ઉપાડવા,આક્ષેપો કરવા વગેરે પ્રયાસો થાય છે, લોકોઆંદોલનમાં જોડાય પણ છે પરંતુ, જ્યારે મતદાન હોય ત્યારે આ લોકોને મતદાન મથક સુધી કોંગ્રેસ લાવી શકતી નથી. કેટલાક નેતાઓ શાસનવિરોધી તીવ્ર મોજું આવવાની રાહ જુએ છે પરંતુ, લહરનો લાભ લેતા નથી










